સ્વચ્છતા હી સેવા: તીર્થસ્થળોની સ્વચ્છતા ઝુંબેશ-સુરત
સુરતઃગુરુવાર: અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તા.૧૪ થી ૨૨ જાન્યુ.-૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવા માટે દેશવાસીઓને આહવાન કર્યું છે. જેના ભાગરૂપે શિક્ષણરાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ સુરત શહેરના જય શ્રી રામના નારા સાથે પુણા ગામ સ્થિત શિવ શક્તિ મંદિર અને સીમાડાના કષ્ટભંજન હનુમાન મંદિરમાં સાફ-સફાઈ કરી હતી.
આ અવસરે મંત્રીશ્રીએ પ્રભુની પૂજા અર્ચના કરી રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સુખાકારીની કામના કરી હતી. રામમય બનેલા સમગ્ર દેશ સહિત સુરત જિલ્લાના નાના મોટા દરેક મંદિરોને સ્વચ્છ રાખવાનો અનુરોધ કર્યો હતો. સ્વચ્છતા અભિયાનને વ્યાપક બનાવવા નગરજનોને મંદિરો અને તેની આસપાસના સ્થળોએ કચરો નહીં નાખવા શિક્ષણમંત્રીએ અપીલ કરી હતી. તેમજ દેશભરમાં સ્વચ્છ શહેરમાં નંબર વનની ઉપમા મેળવનારા સુરત શહેરને હર હંમેશ સ્વચ્છ અને સુંદર રાખવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.
સફાઈ ઝુંબેશમાં મંદિરના ટ્રસ્ટીઓ, કાર્યકરો, સ્થાનિકો તેમજ SMCના સફાઈ કર્મીઓ જોડાયા હતા.