કોઈ ટીખળખોરનું કામ કે પછી ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર!

કોઈ ટીખળખોરનું કામ કે પછી ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર!
ન્યુ ભેસ્તાન રેલવે અપલાઈનના ટ્રેનના પાટા પર લોખંડની એંગલો મુકી દેવાઈ
ન્યુ ઉધના રેલવે સ્ટેશનથી ન્યુ ભેસ્તાન રેલવે અપ-લાઇન ડિંડોલી મચ્છી માર્કેટ પાસે પસાર થતી રેલવે લાઇન ઉપર કોઇક અજાણ્યા ટીખળ ખોરે ટ્રેનના પાટા ઉપર લોખંડની ચેનલ મુકી ટ્રેનને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોય આ મામલે રેલવે ઓફીસર દ્વારા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
ડિંડોલી પોલીસ મથકેથી મળતી વિગત અનુસાર મુળ પશ્વિમ બંગાળના વતની અને હાલ ડિંડોલી વિસ્તારમાં રહેતા સોમેન ઉર્ફે પ્રતાપ રોય ઉ.વ.૩૮એ ગઇકાલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમાં જણાવ્યા અનુસાર ગઇ તા.૨૯ સપ્ટેમ્બરના રોજ રાત્રિના પોણા નવ વાગ્યાની આસપાસ ન્યુ ઉધના રેલવે સ્ટેશનથી ન્યુ ભેસ્તાન રેલવે સ્ટેશન તરફના રેલવે ટ્રેક ઉપર ટ્રેનને ઉથલાવવાના ઇરાદે કોઇ ટીખળ ખોર દ્વારા ટ્રેનના પાટા ઉપર લોખંડની ચેનલ મુકી દેવામાં આવી હતી. તાત્કાલિક અસરથી આ ચેનલને હટાવીને રેલવે લાઇન ક્લિયર કરવામાં આવી હતી. આ મામલે પોલીસ ફરીયાદ કરવામાં આવી હોય ડિંડોલી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ડિંડોલી મચ્છી માર્કેટ પાસેથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર લોખંડની ચેનલ મુકી દેવાઇ હતી. પોલીસ દ્વારા ટ્રેકની આસપાસ રહેતા લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે.