ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રથમવાર કસ્ટમર અને સેલ્સમેનના સંબંધને સંગીત સાથે ‘મેં ઔર મેરા કસ્ટમર… એક સંગીતમય રિશ્તા’ સેશન દ્વારા રજૂ કરાયો

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રથમવાર કસ્ટમર અને સેલ્સમેનના સંબંધને સંગીત સાથે ‘મેં ઔર મેરા કસ્ટમર… એક સંગીતમય રિશ્તા’ સેશન દ્વારા રજૂ કરાયો
પ્રેક્ષકોએ સેલ્સ કરતા વ્યક્તિના જીવનને ગઝલ, સફર, એ દિલ હૈ મુશ્કીલ, મિ.ઈન્ડિયા અને જુર્મ જેવી હિન્દી ફિલ્મોના પ્રચલિત ગીતો સાથે અનુભવ્યું
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૪ના રોજ સાંજે ૦પઃ૩૦ કલાકે સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘મેલોડીઝ મોટીવેશન સેશન્સ’ અંતર્ગત ‘મેં ઔર મેરા કસ્ટમર… એક સંગીતમય રિશ્તા’ વિશે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોર્પોરેટ ટ્રેઇનર ચિરાગ દેસાઈએ સેલ્સની સમગ્ર પ્રક્રિયા દરમિયાન સેલ્સમેનની ભાવનાઓને સંગીત સાથે રજૂ કરી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ આ પ્રસંગે ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ‘જૂના હિન્દી ફિલ્મો ગીતો અર્થસભર છે, જીવનમાં નવી ઊર્જા અને પ્રોત્સાહન આપે છે. તેમણે મહાત્મા ગાંધીનું કથન તમારા આંગણે આવેલ ગ્રાહક જ તમારો ભગવાન છે અને તેનો આદર કરવાનું ચૂકશો નહીં કારણ કે, એ છે તો જ તમે છોને યાદ કરતાં તે ભાવના સાથે જ કાર્ય કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.’
ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ‘બિઝનેસમાં સફળ થવું હોય તો ‘The Purpose of a Business is to create a customer who creates customers.’નો મંત્ર સ્વીકારવો જોઈએ. અનેક સફળ બિઝનેસમેન એવું માને છે કે, તમે તમારા બ્રાન્ડની બ્રાન્ડિંગ કરો એના કરતા તમારા ગ્રાહકો તમારા બ્રાન્ડની બ્રાન્ડિંગ કરે તો તે વધુ અસરકારક ગણાય છે. બિઝનેસમાં નાણાંકીય વ્યવહારોની સાથે ગ્રાહકો સાથેનો ભાવનિક વ્યવહાર, તેમની સાથે વિચારોનું આદાન-પ્રદાન, વર્તન સારું રાખવું પણ એક ઉદ્યોગ સાહસિક માટે અત્યંત જરૂરી છે. ગ્રાહકને બજારનો રાજા કહેવાય અને એ જ, ઉદ્યોગ સાહસિકના ધંધાને બુલંદી પર પહોંચાડવાનું કામ કરે છે.’
કોર્પોરેટ ટ્રેઇનર ચિરાગ દેસાઈએ ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રથમવાર સેલ્સની દુનિયા સાથે સંકળાયેલી વાતોને, લાગણીઓને સંગીત સાથે પ્રસ્તુત કરી હતી. તેમણે સેલ્સ કરતા વ્યક્તિની સ્થિતિ, સેલ્સમેનને જ્યારે કસ્ટમરને શોધવાનું હોય, તેના કસ્ટમર જ્યારે અન્ય એજન્ટને મળે છે ત્યારની સ્થિતિ અને સેલ્સ પ્રોસેસ દરમિયાન સેલ્સમેનના મનમાં ઉદ્દભવતી ભાવનાઓને બોલિવુડના ગીતો સાથે પ્રેક્ષકોને અનુભવવા આગ્રહ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, બોલીવુડના અનેક ગીતો સેલ્સમેનના જીવનની ઘટનાઓ સાથે સંકળાયેલ હોય છે. તેમણે સેશનની શરૂઆત સેલ્સની પ્રક્રિયાને લોકો સમક્ષ ‘Life is Salesperson in general perception..’ ને બોલીવુડની ગઝલ ‘અપની મર્જી સે કહાં સફર પે હમ હૈ’ રજૂ કરીને કરી હતી. તેમણે સેલ્સ કરતા વ્યક્તિના જીવનને અને સેલ્સ પ્રક્રિયા દરમિયાનની તેની મનઃસ્થિતિને જગજીત સિંહની ગઝલ, અદનાન સ્વામીના ગીતો, ફિલ્મ સફર, એ દિલ હૈ મુશ્કીલ, ડ્રીમ ગર્લ, મિ.ઈન્ડિયા અને જુર્મ જેવી ફિલ્મોના પ્રચલિત ગીતો સાથે સેલ્સમેનની દિનચર્યા અને સેલ્સ પ્રક્રિયાને કેટલી સુંદર રીતે આ તમામ ગીતો રજૂ કરે છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
નાણાં દરેકના જીવનમાં કેટલા મહત્વના છે તે ‘કુદરત’ ફિલ્મના ગીત થકી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને ‘રુક જાના નહીં’ ગીત સાથે તેમણે સેશનના અંતમાં ઉપસ્થિત તમામને જીવનના દરેક પડકારોનો સામનો કરવા પ્રોત્સાહન આપ્યું હતું.
આ સેશનમાં ચેમ્બર ઓફ કોમર્સના SGCCI એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન મહેશ પમનાનીએ આભાર વિધી કરી હતી. ચેમ્બરની સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ કમિટીના સભ્ય કલ્પેશ દેસાઈએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે ચેમ્બરના ગ્રૃપ ચેરમેન મૃણાલ શુક્લ, ઉદ્યોગ સાહસિકો અને સેલ્સ ક્ષેત્રે કાર્ય કરતા યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.