સુરતના વરીયાવ તારવાડી ખાતે રૂ.૨.૭૭ કરોડના ખર્ચે સીસી રોડના કાર્યનું ખાતમુહૂર્ત કરતા વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
સુરતઃશનિવારઃ સુરતના વરીયાવ તારવાડી સ્થિત ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ સોસાયટી ખાતે રૂ.૨.૭૭ કરોડના ખર્ચે ૨૫૦૦ ચો. મીટરના સીસી રોડનું વન,પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈપટેલે જણાવ્યું કે,ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ સોસાયટી ખાતે સ્ટ્રીટ લાઈટ, પાણીની પાઈપલાઈ, ડ્રેનેજનું કાર્ય ઝડપભેર પૂર્ણ કરવામાં આવ્યા બાદ રોડની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે. સાથે ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ સોસાયટીના ૨૮૦ ઘરોમાં વસતા ૧૪૦૦થી વધુ નાગરિકોની મુશ્કેલીનું કાયમી ધોરણે નિરાકરણ આવશે. રાજ્ય સરકારે આરોગ્ય, રોડ રસ્તા, પાણી પુરવઠો, સ્ટ્રીટ લાઈટ અને ગટરલાઈન સહિતની પાયાની સુવિધાઓને આમજન સુધી પહોંચાડી છે. મંત્રીશ્રીએ રાજ્ય સરકારના યોગદાનથી સ્થાનિક વિકાસ કામો, જનહિતની સુવિધાઓ ઊભી કરીને જાહેરહિતની યોજનાઓનો વ્યાપ વિસ્તારવા અધિકારી સહિત સંગઠન હોદ્દેદારોને માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે રાંદેર ઝોનલ ચીફ ધર્મેશભાઈ મિસ્ત્રી, કાર્યપાલક ઈજનેર તેજસભાઈ પટેલ, ડે. ઈજનેર મીતાબેન ગાંધી, કોર્પોરેટર સર્વશ્રી રાજેન્દ્ર પટેલ, અજીતભાઈ પટેલ,ગીતાબેન સોલંકી, ભાવિશાબેન, વોર્ડ પ્રમુખ મુકેશભાઈ પટેલ, ભાવિનભાઈ, સામાજિક અગ્રણીઓ સહિત સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.