ગ્રીનમેન વિરલ દેસાઈએ શરૂ કરી કોનોકાર્પસ ડિસ્ટ્રક્શન ડ્રાઈવ
સુરત: જાણીતા પર્યાવરણપ્રેમી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ તેમના ટ્રી પ્લાન્ટેશન માટે અત્યંત જાણીતા છે, પરંતુ હવે તેઓ વૃક્ષોનો નાશ કરવાની પ્રવૃત્તિમાં જોતરાઈ ગયા છે. જોકે તેઓ જે વૃક્ષનો નાશ કરવાની વાત કરે છે વૃક્ષો છે કોનોકાર્પસના, જે વૃક્ષો આપણી બાયોડાવર્સિટીમાં કોઈ જ યોગદાન નથી આપતા. વિરલ દેસાઈ આગામી સમયમાં સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફરીને કોનોકાર્પસ દૂર કરવાના છે અને તેમની જગ્યાએ નેટીવ સ્પિસિસ તેમજ વધુ ઑક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરશે.
તેમની આ ડ્રાઈવને તેઓ કોનોકાર્પસ ડિસ્ટ્રક્શન ડ્રાઈવ તરીકે ઓળખાવે છે, જ્યાં તેમણે સંકલ્પ કર્યો છે કે કોનોકાર્પસને હટાવીને એમની જગ્યાએ તેઓ બે લાખથી વધુ નેટિવ અને ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરશે. એ અંતર્ગત તેમણે સુરતના અમરોલી ખાતેના જીવન જ્યોત ટ્રસ્ટની કૉલેજમાં પહેલી ડ્રાઈવ કરી હતી, જ્યાં ડૉ. ધરીત નાયક તેમજ એન.એસ.એસના વિદ્યાર્થીઓ સાથે મળીને તેમણે કોનોકાર્પસ દૂર કરીને નેટીવ વૃક્ષોનું વાવેતર કર્યું હતું.
પોતાની આ ડ્રાઈવ વિશે તેઓ કહે છે, ‘હું વર્ષ ૨૦૧૭થી કહી રહ્યો છું કે કોનોકાર્પસ આપણે ત્યાંની સ્પિસિસ નથી. આ તો ઠીક મેં આ વિશે મારી કૉલમોમાં પણ લખ્યું છે કે કોનોકાર્પસ આપણી બાયોડાવર્સિટી માટે ઠીક નથી. પરંતુ ત્યારે લોકોમાં કોનોકાર્પસનો અનન્ય ક્રેઝ હતો. જોકે હવે જ્યારે ગુજરાત સરકારે કોનોકાર્પસ વિશે પરિપત્ર બહાર પાડ્યો છે ત્યારે હું સરકારના આ નિર્ણયથી અત્યંત ખુશ છું. અને સંકલ્પબદ્ધ પણ છું કે મને જ્યાં પણ કહેવામાં આવશે ત્યાંથી હું કોનોકાર્પસ દૂર કરીશ અને સારા વૃક્ષોનું વાવેતર કરીશ.’
આ અંગે વિરલ દેસાઈ એમ પણ જણાવે છે કે કોનોકાર્પસ દૂર કરતી વખતે એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું કે ઝાડને તેના મૂળ સાથે દૂર કરાય. જો મૂળ સાથે દૂર નહીં કરાય તો આ વૃક્ષ ફરી ઊગશે અને આપણી પર્યાવરણીય સમસ્યાઓ ત્યાંની ત્યાં રહેશે.