ગુજરાત

રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અને ઈન્ટરનેશનલ યુથ એવોર્ડ સમારોહ’ યોજાયો

રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અને ઈન્ટરનેશનલ યુથ એવોર્ડ સમારોહ’ યોજાયો

 

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, ગુજરાત રાજ્ય માનવાધિકાર પંચના ચેરમેન કે.જે.ઠાકર, ઓડિશાના નિવૃત્ત ચીફ જસ્ટીસ કે.એસ.ઝવેરી, ફિલ્મ અભિનેતા મુકેશ ખન્નાની વિશેષ ઉપસ્થિતિ

૭૦૦૦ વિદ્યાર્થીઓને સ્કાઉટીંગ પ્રવૃત્તિઓ અને માનવાધિકારો વિષે જાગૃત્ત કરાયા: સ્કાઉટીંગ થકી સમાજને ઉપયોગી થનાર અને શ્રેષ્ઠ યોગદાન આપનાર યુવાનોનું સન્માન

ઈન્ડિયન સ્કાઉટ & ગાઈડ ફેલોશીપ તથા ગુજરાત માનવાધિકાર પંચ દ્વારા સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘નેશનલ યુથ ડે સેલિબ્રેશન એન્ડ ઈન્ટરનેશનલ યુથ એવોર્ડ સમારોહ યોજાયો’ હતો, જેમાં ૭૦૦૦ વિદ્યાર્થીઓને સ્કાઉટીંગ પ્રવૃત્તિઓ અને માનવાધિકારો વિષે જાગૃત્ત કરાયા હતા. સ્કાઉટીંગ થકી સમાજને ઉપયોગી થનાર અને શ્રેષ્ઠ યોગદાન આપનાર યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ઓડિશા હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટીસશ્રી કે.એસ.ઝવેરી અને ગુજરાત રાજ્ય માનવાધિકાર પંચના ચેરમેન શ્રી કે.જે.ઠાકર, શક્તિમાન સિરિયલથી પ્રખ્યાત થયેલા અભિનેતા શ્રી મુકેશ ખન્ના પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્કાઉટીંગ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંસ્કાર, પ્રામાણિકતા, સેવાભાવ, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રસેવાના ગુણો વિકસે તેમજ માનવાધિકારો વિષે બાળકો જાગૃત્ત થાય એવો ઈન્ડિયન સ્કાઉટ & ગાઈડ ફેલોશીપ તથા ગુજરાત માનવાધિકાર પંચનો પ્રયાસ સરાહનીય છે.

કેન્દ્ર સરકારે સુરત, ઈન્દોર અને નવી મુંબઈને હવે પરમેનન્ટ સ્વચ્છ શહેર જાહેર કર્યા છે. રાજ્યના એકમાત્ર શહેર સુરતનો ‘સુપર સ્વચ્છ લીગ’માં સમાવેશ થયો છે, જે તમામ સુરતવાસીઓ, સ્વચ્છતાકર્મીઓ, મનપાના પદાધિકારી-અધિકારીઓ માટે ગર્વની ક્ષણ છે, ત્યારે હવે સુરતની સ્વચ્છતાને કાયમી બનાવવાની, સુરતને વર્ષો-દાયકાઓ સુધી સ્વચ્છ રાખવાની આપણી સહિયારી જવાબદારી છે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌ બાળકોને પોતાના માતાપિતા ભાઈ-બહેનો વાહન ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરે, કારમાં સીટ બેલ્ટ અચૂક બાંધે તે માટે પ્રેરિત કરવાની શીખ આપી હતી. સમાજમાં કોઈ પણ વ્યક્તિ ખોટું કરે, દુર્વ્યવહાર કરે, ગંદકી ફેલાવે અને અશોભનીય વર્તન કરે તેમને એક આદર્શ વિદ્યાર્થી અને નાગરિક તરીકે સાચા રસ્તે વાળવા અને યોગ્ય સમજ આપવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. સમાજ, રાજ્ય અને દેશને નુકસાન કરતા, ગુનાખોરી ફેલાવતા તત્વોને નજર અંદાજ કરી, તેમને પોષણ આપી ક્રાઈમ પાર્ટનર ન બનીએ. પરંતુ આવા તત્વોને સાચા રસ્તેવાળી સભ્ય નાગરિકની ભૂમિકા અદા કરીએ તે જરૂરી છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

સ્કાઉટીંગ વિષે સમજ આપતા ગુજરાત રાજ્ય માનવાધિકાર પંચના ચેરમેન શ્રી કે.જે.ઠાકરે કહ્યું કે, બાળકો નાનપણથી જ વિકટ સ્થિતિ, કુદરતી કે માનવસર્જિત આપત્તિઓમાં મદદરૂપ થઈ શકે, મુશ્કેલીઓનું સમાધાન શોધી શકે એ માટે વિશ્વના ૨૧૮ દેશોમાં સ્કાઉટ & ગાઈડ સંસ્થાઓ કાર્યરત છે. આ પ્રવૃત્તિમાં દેશના ૪૬ સરકારી-ખાનગી એસોસિએશનો-એજન્સીઓ તેમજ ગુજરાતના ૨૭ જિલ્લા જોડાયેલા છે. આ પ્રકારના સમારોહ છેલ્લા ૧૫ વર્ષથી યોજવામાં આવે છે.

શ્રી ઠાકરે કહ્યું કે, સ્કાઉટ ગાઈડ આંદોલન રાષ્ટ્રની સેવા માટે સમર્પિત આંતરરાષ્ટ્રીય આંદોલન છે. બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવો અમારો ઉદ્દેશ છે. બાળકોમાં દેશપ્રેમ,સંસ્કૃતિ પ્રત્યે ઊંડી સમજ,સામાજિકતા, સ્વાસ્થ્ય સુરક્ષા, જાહેર સાહસોનું રક્ષણ, કુદરતી અને આકસ્મિક આફતોનો સામનો કરી લોકોના જાનમાલનું રક્ષણ, સ્વચ્છતા, પ્રેમ, દયા, કરુણા જેવા અનેક ગુણો વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શીખવવામાં આવે છે.

સમાજ અને રાષ્ટ્રની સેવા માટે સદાય તત્પર અને તૈયાર રહેતા સ્કાઉટ્સ-ગાઈડ્સને અભિનંદન પાઠવતા મંત્રીશ્રીએ કહ્યું કે, સમાજને હરહંમેશ મદદરૂપ થવા માટેની સ્કાઉટસની ભાવના સૌને પ્રેરણા આપે છે. ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બની રાષ્ટ્ર પ્રત્યેની ફરજો નિભાવવા જણાવ્યું હતું.

શક્તિમાનની ઉપમાથી પ્રખ્યાત, અભિનેતા શ્રી મુકેશ ખન્નાએ જણાવ્યું હતું કે, યુવાનો માટે પ્રત્યેક દિવસ યુવા દિન હોવો જોઈએ. વિશ્વના સૌથી યુવા દેશ ભારતના બાળકોએ કર્તવ્યનિષ્ઠ અને દેશ પ્રત્યે સમર્પિત બનવું પડશે. બાળકો, યુવાનો મોબાઈલ અને સોશ્યલ મીડિયાની આભાસી દુનિયામાંથી બહાર નીકળી આપણી પ્રાચીન સંસ્કૃતિ, વૈદિક વારસા અને અતિ પૌરાણિક સભ્યતા તરફ પાછા વળે તે સમયની માંગ છે.

ઓડિશા હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટીસ અને ઈન્ડિયન સ્કાઉટ & ગાઈડ ફેલોશીપના પ્રેસિડેન્ટ ઈન ચીફ શ્રી કે.એસ.ઝવેરીએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. આ વેળાએ શાળાના બાળકોએ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતી રંગારંગ કૃતિઓ રજૂ કરી હતી. સૌએ ટ્રાફિક નિયમ પાલન કરવાના શપથ ગ્રહણ કર્યા હતા.

આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા, જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગીરથસિંહ પરમાર, ઈન્ડિયન સ્કાઉટ & ગાઈડ ફેલોશીપના ગુજરાત સ્ટેટ ચીફ કમિશનર સવિતાબેન પટેલ, રજિસ્ટ્રાર ટી.વી. જોશી, એક્ઝીક્યુટીવ પ્રેસિડેન્ટ મેકી અને અન્ય પદાધિકારીઓ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, સ્કાઉટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button