100મી હનુમાન ચાલીસાનો ભવ્ય ઉપક્રમ: હિન્દુ એકતા સંઘ વલસાડ દ્વારા ભક્તિ, સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાનું ઉદાહરણ

100મી હનુમાન ચાલીસાનો ભવ્ય ઉપક્રમ: હિન્દુ એકતા સંઘ વલસાડ દ્વારા ભક્તિ, સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાનું ઉદાહરણ

વલસાડ: હિન્દુ એકતા સંઘ વલસાડ દ્વારા રાષ્ટ્રભક્તિ અને હિન્દુ સંસ્કૃતિના જાગરણ માટે વર્ષ 2023માં આરંભાયેલ “હર ઘર હનુમાન ચાલીસા” અભિયાન આજે એક મહત્વના માઇલસ્ટોને સ્પર્શી ગયું છે. 11 ઓક્ટોબર, 2025ના રોજ સંઘ દ્વારા આ અભિયાનનો 100મો કાર્યક્રમ શ્રી તડકેશ્વર મહાદેવ મંદિરના પાવન પ્રાંગણમાં ભક્તિભાવથી ભવ્ય રીતે ઉજવાયો. આ અભિયાનનો મુખ્ય હેતુ હિન્દુ પરિવારોમાં આધ્યાત્મિક ચેતના જગાવવી, યુવાનોમાં સંસ્કારનો સંચાર કરવો તથા સમાજમાં સંગઠનશક્તિનો વિસ્તાર કરવો છે. દરેક શનિવારે સંઘના કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો અલગ-અલગ ઘરોમાં જઈને 3 વાર સમૂહિક હનુમાન ચાલીસાનું પાઠ,1 ભજન,1 દેશભક્તિ ગીત અંતે શ્રી રામચંદ્રજીની આરતી કરે છે. આ કાર્યક્રમમાં નાનાં બાળકોથી માંડી વયસ્કો સુધી બધા જ ઉમંગપૂર્વક જોડાય છે. માતાઓ-બહેનો આરતીમાં સહભાગી બને છે, જ્યારે યુવાનો ભજન અને સંગઠન સંચાલન સંભાળે છે.
100મી હનુમાન ચાલીસાનો કાર્યક્રમ શ્રી તડકેશ્વર મહાદેવ મંદિર,અબ્રામા ખાતે વિશેષ રૂપે યોજાયો હતો. મંદિરના ખુલ્લા પ્રાંગણમાં મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થયા હતા. કાર્યક્રમમાં સ્થાનિક સામાજિક આગેવાનો અને અન્ય સંગઠનોના પ્રતિનિધિઓ તથા બહોળી સંખ્યાના હિંદુ ભક્તોએ હાજરી આપી. કાર્યક્રમનું સંચાલન યુવા કાર્યકર્તાઓ દ્વારા શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું. સામુહિક હનુમાન ચાલીસા પાઠ બાદ શ્રી રામધૂન અને આરતીના ભાવિક માહોલે દરેક હાજર ભક્તને ભાવવિભોર કરી દીધા.
હિન્દુ એકતા સંઘની શરૂઆત વર્ષ 2023માં નક્કી વિચારસરણી સાથે કરવામાં આવી હતી. અત્યાર સુધી 100 પરિવારો “હર ઘર હનુમાન ચાલીસા” ના માધ્યમથી સંઘમાં જોડાયા છે. અભિયાનના પગલે યુવાનોમાં સાંસ્કૃતિક ભાવના, ગૌરવ અને સેવાભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. હિન્દુ એકતા સંઘના જવાબદારો અને કાર્યકર્તાઓએ અપીલ કરી છે કે વલસાડ શહેરની દરેક સોસાયટી, વિસ્તાર અને ગલી સુધી આ અભિયાન પહોંચી શકે તેવા પ્રયાસો કરવા બધા જોડાય. “દરેક ઘરમાં હનુમાન ચાલીસા ગુંજે, દરેક મનમાં રામ વસે અને દરેક હ્રદયમાં રાષ્ટ્રભાવના જાગે” એ ધ્યેય સાથે કાર્ય આગળ ધપાવવામાં આવશે. સંઘે જાહેર કર્યું છે કે હવે દરેક મહિનાના અંતે એક મોટા સમૂહિક કાર્યક્રમ તથા બાળકો માટે સંસ્કાર વર્ગો, સંસ્કૃતિ શિબિરો પણ યોજવામાં આવશે.



