સુરત જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરી અંગે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
સુરત જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરી અંગે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
જૂન મહિના પહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસકામો પૂર્ણ કરવા અને જૂન મહિનો પ્રારંભ થયા બાદ ખોદકામ પર રોક લગાવવા પર ભાર મૂકતા જિલ્લા કલેકટર
સુરત:ગુરૂવાર: સુરત શહેર-જિલ્લામાં ચોમાસાની ઋતુના આગમન પૂર્વે તકેદારીના ભાગરૂપે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય અને દુર્ઘટના ન સર્જાય તેમજ ગત વર્ષમાં રહેલી ત્રુટિઓનું પુનરાવર્તન ન થાય તે માટે કલેક્ટરશ્રી ડો.સૌરભ પારધીની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી તકેદારી રાખવા અંગે માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું.
બેઠકમાં તમામ વિભાગોની ડિઝાસ્ટરને લગતી યાદી-બાબતો અદ્યતન કરવી, ગટરની સફાઈ તેમજ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ, રસ્તા પરના જોખમી વૃક્ષોનો નિકાલ, વીજ પોલ તેમજ રસ્તા પરના ખાડાઓ અને મનપા, નગરપાલિકાની મશીનરી-સાધનોને સ્ટેન્ડબાય રાખવા, જિલ્લાના તરવૈયાઓ અને હોમગાર્ડ્ઝની કોન્ટેક્ટ યાદી બનાવવી, ભારે વરસાદ કે વાવાઝોડાની સ્થિતિમાં સ્થળાંતર કરવાની જરૂર પડે તો આશ્રય સ્થાનો, અનાજ પૂરવઠો, આરોગ્ય સેવા, રાહત બચાવ ટુકડીઓની યાદી સંપર્ક નંબર તેમજ તલાટી-ગ્રામ સેવક, શિક્ષકો સાથે એક બેઠક ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ સ્થાનિક આગેવાનો-સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે યોજી જરૂરી તૈયારી કરવી જેથી ચોમાસાની ઋતુમાં કોઈ મુશ્કેલી સર્જાય તો લોકોને સલામત સ્થળે ખસેડી શકાય અને જાનમાલનું નુકસાન નિવારી શકાય, ‘સાવધાની એજ સલામતી’ના ધ્યેય સાથે સંકલિત કામગીરી કરવા બેઠકમાં અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ વર્ષે વહેલા ચોમાસાની આગાહીના અનુસંધાને પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરવા માટેની આયોજિત બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, ઉકાઈ કેચમેન્ટ વિસ્તારમાં અતિ ભારે વરસાદની સ્થિતિના સમયે ડેમમાંથી પાણી છોડવાની જરૂરિયાત ઉભી થાય એ સમયે સંબંધિત વિભાગોના અધિકારીઓએ પરસ્પર સંકલન જાળવી સમયસર વિગતો મળી રહે અને જરૂરી પગલા લેવા જણાવ્યું હતું.
તેમણે જૂન મહિના પહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસકામો પૂર્ણ કરવા અને જૂન મહિનો પ્રારંભ થયા બાદ ખોદકામ પર રોક લગાવવાનો અનુરોધ કરતા ઉમેર્યું કે, શહેરમાં ભયજનક અને જર્જરિત બિલ્ડીંગોનો સર્વે કરવા અને જર્જરિત મકાનોને ઉતારી લેવા તેમજ આવા બિલ્ડીંગો, મકાનોમાં કોઈ વ્યક્તિઓ રહે નહીં એ અંગે જરૂરી કાર્યવાહી કરવા ઉમેર્યું હતું. ખાસ કરીને સરકારી કે ખાનગી જર્જરિત તેમજ ભયજનક બિલ્ડીંગો આગળ ભયસૂચક બોર્ડ લગાવવા સૂચના આપી હતી.
ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં સુવાલી અને ડુમસ બીચ પર લોકોની અવરજવર પ્રતિબંધિત કરવામાં આવે તે માટે કલેક્ટરશ્રીએ સંબંધિત પોલીસ અધિકારીઓને તેમજ વરસાદના કારણે પાણીજન્ય રોગચાળામાં વધારો થવાની શક્યતાને ધ્યાને રાખીને સિવિલ હોસ્પિટલમાં જરૂરી પૂર્વતૈયારીઓ કરવા, દવાનો પૂરતો જથ્થો રાખવાની સૂચના આપી હતી.
સુરત પાલિકા વિસ્તારમાં ખાડીઓની આગોતરી સાફસફાઈ સુનિશ્ચિત થાય અને નીચાણવાળા વિસ્તારમાં પૂરની સ્થિતિમાં બચાવ અને સુરક્ષાના સાધનો સાથે મનપા તંત્રને સજ્જ રહેવા જણાવ્યું હતું.
તેમણે બોટ તેમજ ઈમરજન્સી સમયે ઉપયોગી સેવા અને મશીનરી વ્યવસ્થાની સાથે ક્વીક રિસ્પોન્સ ટીમ પણ બનાવી રાખવાની તાકીદ કરી હતી. આરોગ્ય વિભાગ, એસટી, વિજળી, પાણીપુરવઠા તેમજ પોલીસ, સહિતના વિભાગો દ્વારા આગામી ચોમાસાને લઈને ખાસ કન્ટ્રોલ રૂમ શરૂ કરવા તેમજ રેઈન ગેજ ચેક કરી લેવા, પાણી ભરાવાની સમસ્યા છે તેવા વોંકળા, નાળાની સાફ-સફાઈ કરવા તેમજ આશ્રય સ્થાનોની મુલાકાત લેવા અધિકારીઓને સુચના આપી હતી.
જિલ્લામાં વરસાદી પાણીનો કોઈપણ સ્થળે ભરાવો ન થાય તેની ખાસ તકેદારી રાખવા તેમજ સુરત જિલ્લામાં આવેલ તમામ ચેક ડેમોની ચકાસણી કરવી, જરૂર જણાય ત્યાં ચેક ડેમનું રિપેરીંગ કામ કરાવવું, આ ઉપરાંત કેનાલોની સફાઈ કામગીરી અને વાવાઝોડુ કે ભારે વરસાદ વચ્ચે વીજ પુરવઠો ન ખોરવાય તે માટે વીજ થાંભલા પાસે આવેલા વૃક્ષોનું કટીંગ કરાવવા જેવી સૂચનાઓ આપી કલેક્ટરશ્રીએ અધિકારીઓને ચોકસાઈપૂર્વક અને ક્ષતિરહિત કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.
ખાસ કરીને કીમ નદીની આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ન ભરાય એ માટે તકેદારીના પગલાઓ લેવાની સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી વિજય રબારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિ, પ્રાંત અધિકારીઓ સર્વશ્રી વિક્રમ ભંડારી, જિજ્ઞા પરમાર, ડિઝાસ્ટર મામલતદાર, જિલ્લાના સિંચાઈ, પાણી પુરવઠા બોર્ડ, ડિઝાસ્ટર, આરોગ્ય, પોલીસતંત્ર, ડીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ, એસ.ટી.તંત્ર, મનપા તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.