ગુજરાત

નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૪૧ વર્ષીય બ્રેઈનડેડ હેમંતકુમાર પટેલના અંગદાનથી પાંચને નવજીવન

નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૪૧ વર્ષીય બ્રેઈનડેડ હેમંતકુમાર પટેલના અંગદાનથી પાંચને નવજીવન

  • સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૪૧ વર્ષીય બ્રેઈનડેડ હેમંતકુમાર ધનશુખભાઈ પટેલના લીવર, બે કિડની અને બે આંખોનું દાન: નવી સિવિલ હોસ્પિટલ થકી ૮૧મું અંગદાન
  • ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પટેલ પરિવાર અંગદાનના માનવતાવાદી અભિગમથી પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને મળશે નવજીવન
  • અંગદાનથી પતિનું અસ્તિત્વ કોઇના જીવનમાં જીવંત રહેશે: સ્વ.હેમંતભાઈની પત્ની સ્તુતિબેન
    સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ૮૧મું સફળ અંગદાન થયું છે. અંકલેશ્વરના ૪૧ વર્ષીય હેમંતકુમાર ધનશુખભાઈ પટેલના બ્રેઈનડેડ જાહેર થયા બાદ પરિવારજનો દ્વારા હૃદયસ્પર્શી નિર્ણય લઇને લીવર, બે કિડની અને બે આંખોનું દાન કરવામાં આવ્યું છે. જેના પરિણામે પાંચ લોકોને નવજીવન મળશે.
    પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના હાસોટ રોડ સ્થિત નિલકંઠ વિલા વિસ્તારમાં રહેતા હેમંતભાઈ પટેલ તા.૧૨ ઓક્ટોબરે બપોરે અંકલેશ્વર ભરૂચીનાકા પાસે આવેલ ડો. વિલાસ પટેલ બિલ્ડિંગના પહેલા માળેથી નીચે પડી ગયા હતા. માથામાં ગંભીર ઇજા થતાં તેમની પત્નિ સ્તુતિબેન તરત જ તેમને જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે તા.૧૬/૧૦/૨૦૨૫ ના રોજ બપોરે ૨:૦૮ વાગ્યે દાખલ કરવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે તેમને 7/C વોર્ડમાં દાખલ કર્યા બાદ તેમની હાલત ગંભીર જણાતાં ICUમાં ખસેડવામાં આવ્યા હતા. તા.૧૮મી ઓક્ટોબરના રોજ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલ અને ડો.ઉજ્જવલે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
    ત્યારબાદ પટેલ પરિવારને સોટોની ટીમના ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, કાઉન્સેલરે અંગદાનનું મહત્વ સમજાવ્યું. સ્વ. હેમંતકુમાર પટેલની પત્ની સ્તુતિબેન, તેમના ભાઇ, બહેન અને પરીવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતાં દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી.
    સ્વ.હેમંતભાઈની પત્ની સ્તુતિબેને જણાવ્યું હતું કે, “આ નિર્ણય લેવો સરળ નહોતો, પરંતુ જો પતિના અંગોથી કોઇનું જીવન બચી શકે, તો એ સૌથી મોટું દાન છે. પતિનું અસ્તિત્વ હવે કોઇ અન્યના જીવનમાં જીવંત રહેશે, એજ મારી સાંત્વના છે.”
    બ્રેઈનડેડ સ્વ.હેમંતકુમાર પટેલના લીવર અને બે કિડની આઈકેડી હોસ્પિટલ, અમદાવાદ ખાતે ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે બંને આંખો નવી સિવિલ હોસ્પિટલ સુરત આઈ બેંક ખાતે દાન સ્વીકારવામાં આવી હતી.
    સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ તથા સ્વયંસેવકોએ આ અંગદાન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
    નવી સિવિલ હોસ્પિટલના સતત માનવતાભર્યા પ્રયાસોથી અત્યાર સુધી કુલ ૮૧ સફળ અંગદાન થઈ ચૂક્યાં છે, જે સુરતના માનવતાવાદી મૂલ્યો અને જાગૃત નાગરિકતાનો અનોખો ઉદાહરણ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button