સુરત જિલ્લાના 1800 જેટલા જી.આર.ડી જવાનોનો 3 મહિનાથી પગાર ખોરંભે.

સુરત જિલ્લાના 1800 જેટલા જી.આર.ડી જવાનોનો 3 મહિનાથી પગાર ખોરંભે.
– પગાર નહિ થતા ભારે હાલાકી સાથે જવાનોમાં રોષની લાગણી જોવા મળી.
બારડોલી.
સુરત જિલ્લામાં ફરજ બજાવતા જી.આર.ડી જવાનોના છેલ્લા ૩ મહિનાથી પગાર નહિ થતા તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લામાં લગભગ ૧૮૦૦ જેટલા જી.આર.ડી જવાનો ફરજ બજાવે છે. જે તમામનો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનો પગાર નહિ આવતા અનેક રજૂઆતો સાથે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.
સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સાથે ૧૮૦૦ જેટલા જી.આર.ડી જવાનો પણ ખડે પગે ફરજ પર હાજર રહેતા હોય છે. સામાન્ય પરિવારમાંથી આવતા અને જી.આર.ડીમાં નોકરી કરતા તમામ જવાનો મહિનાના ૨૭ દિવસ ફરજ પર રહેતા હોય છે. અને એક દિવસની ફરજના તેઓને ૩૩૦ રૂપિયા લેખે ચુકવવામાં આવે છે. જે પગાર છેલ્લા ૩ મહિનાથી થવા પામ્યો નથી. ૧૮૦૦ જેટલા જી.આર.ડી જવાનોના પગાર ન થતા તેઓના પરિવારમાં ભારે તકલીફ સાથે રોષની લાગણી પણ જોવા મળી હતી. પગાર ન થવા મામલે સુરત જિલ્લા જી.આર.ડી જિલ્લા માનદ અધિકારી મહેન્દ્રભાઈ સિસોદીયા સાથે વાત કરવામાં આવતા તેઓએ ગ્રાન્ટનાં અભાવના કારણે પગાર ન થયો હોવાનું જણાવ્યું હતું. જોકે તેઓએ જી.આર.ડી જવાનોને પરિસ્થિતિને ધ્યાને લઇ સરકારમાં પણ રજુઆત કરી હોવાનું જણાવ્યું હતું. જ્યાંથી તેઓએ થોડાજ દિવસોમાં ગ્રાન્ટ આવતાની સાથે પગાર કરી દેવામાં આવશે તેવું જણાવી આશ્વાસન આપવામાં આવ્યું છે.