મહુવા તાલુકામાં સતત એક મહિનો અને બે દિવસ ચાલેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન

સુરતઃશુક્રવાર: દેશના પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકીય લાભો પહોંચાડીને તેમના વિકાસને આકાર આપવાની સાથે વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રથના માધ્યમથી છેવાડાના લાભાર્થીઓ સુધી સરકારની વિવિધ યોજનાની માહિતી પહોંચાડી તેના લાભ સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડીને ગ્રામિણ વિસ્તારોને વિકાસની દિશામાં અગ્રેસર બનાવી વિકસિત ગામથી વિકસિત ભારતનું સપનું સાકાર થાય તે માટેનું સંનિષ્ઠ કાર્ય કરવામાં આવી રહયું છે.
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તાઃ૧૫મી નવેમ્બરથી આરંભાયેલી યાત્રાનું તાઃ૧૬મી ડિસેમ્બરના રોજ બોરીચા ગામે ભવ્ય સમાપન થયું હતું. લગાતાર મહિના સુધી રોજ બે ગામોને આવરી લઈને રથ તાલુકાની ૬૨ ગ્રામ પંચાયતોમાં પરિભ્રમણ કરીને ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી-માર્ગદર્શનની સાથે સબંધિત યોજનાના સાચા લાભાર્થીઓને શોધીને તેને સરકારની યોજનાના લાભો સ્થળ ઉપર જ અપાયા હતા. જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાના માર્ગદર્શન તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી પ્રકાશભાઈ માહલાના પ્રત્યક્ષ નેજા હેઠળ ધારાસભ્ય શ્રી મોહનભાઇ ઢોડિયા, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામ પંચાયતના સરપંચો, સદસ્યો તથા વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓએ ખભે ખભા મિલાવીને આ મહા અભિયાનને સફળ બનાવ્યું હતું.
આ યાત્રા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ૯૨૯૨ વ્યક્તિઓના આરોગ્યની તપાસણી કરવામાં આવી છે, તેની સાથે જ ૬૯૭૭ વ્યક્તિઓની ટી.બી. રોગ તથા ૨૨૪૦ સિકલસેલ એનિમીયા રોગની તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આ સમય દરમિયાન ગામે ગામ લાભાર્થીઓના નવા આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે.
સંકલ્પ યાત્રા દરમિયાન યાત્રાનો રથ સબંધિત ગામ ખાતે પહોંચતા ગામે ગામ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળા યોજાતા કાર્યક્રમોના માધ્યમથી જે લાભાર્થીઓએ અત્યાર સુધીમાં ભારત અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો મળ્યા છે, તેવા ૨૫૧ લાભાર્થીઓએ તેમને સરકારી સહાય દ્વારા થયેલ લાભ અંગે “મેરી કહાની મેરી જુબાની” અંતર્ગત પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.