ગુરુકૃપા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે ‘આનંદમય જીવનનો આધાર – સદ્ વિચાર’ સેમિનાર યોજાયો

ગુરુકૃપા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે ‘આનંદમય જીવનનો આધાર – સદ્ વિચાર’ સેમિનાર યોજાયો
વિદ્યાર્થીઓ સમજણપૂર્વક, ખંત અને એકાગ્રતાથી અભ્યાસ કરે તે માટે સાચી સમજણ – સદ્વિચાર ખૂબ જરૂરી છે. આ વાતને કેન્દ્રમાં રાખીને ગુરુકૃપા વિદ્યાલય – મોરાભાગળ, રાંદેર ખાતે ધોરણ : 9થી 12ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ‘આનંદમય જીવનનો આધાર – સદ્વિચાર’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થિની દ્વારા કુમકુમ ચાંદલો કરી સ્વાગત કરવામાં આવ્યું. મા અંબે જગદંબાની વંદના અને સ્તુતિ દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. શાળાના આચાર્યા શ્રી મેઘાબહેન મહેતાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. નૈલેશભાઈ પટેલે શાળાની વિશિષ્ટ સિદ્ધિઓ અને શાળાની પ્રેરક પ્રવૃત્તિઓની માહિતી આપી તેમજ આજના વક્તા શ્રી રાજેશકુમાર ધામેલિયાનો પરિચય આપ્યો અને શબ્દપુષ્પથી તથા સ્મૃતિભેટ આપીને સ્વાગત કર્યું હતું.
સંવાદરૂપે યોજાયેલા આ પ્રસંગે શ્રી રાજેશકુમાર ધામેલિયાએ જણાવ્યું હતું કે, “આપણે સૌ જીવનમાં સફળ થવા ઇચ્છીએ છીએ. જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવા અને તેને હાંસલ કરવા માટે પ્રયત્નો પણ કરીએ છીએ, જે જરૂરી છે; પણ સફળતા નામે આંધળી દોટથી બચવાની ખાસ જરૂર છે. સફળતા મન પર હાવી થવાથી તન-મનના અનેક રોગો થાય છે, તેનાથી બચવા માટે સદ્વિચાર ખૂબ જરૂરી છે. આનંદમય જીવન માટે સફળતા-નિષ્ફળતા બંનેનો સ્વીકાર કરતા શીખવું જોઈશે; તેનો બોધપાઠ ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ વગેરેનું જીવન દર્શન કરવાથી આપણને મળે છે. જીવનને આનંદમય બનાવવા કેટલાંક સૂત્રો આત્મસાત્ કરવાની જરૂર છે : ‘આપણું ધાર્યું થાય તો હરિકૃપા, આપણું ધાર્યું ન થાય તો હરિઇચ્છા.’ ‘પુરુષાર્થ પોતાનો, ભરોસો ભગવાનનો.’ ‘હું મારા લક્ષ્યને હાંસલ કરવા ભરપૂર પ્રયત્નો કરીશ, પછી જે પરિણામ આવે તેનો સહર્ષ સ્વીકાર કરીશ.’ આવાં સૂત્રો દરરોજ સવારે જાગતાંની સાથે આપણે બોલવા જોઈએ, જેથી આપણી અંદર સકારાત્મક ઊર્જાનો સંચાર થાય. વિદ્યાર્થી અવસ્થાથી આ સદ્વિચારો આપણા મનમાં અંકુરિત થયેલાં હશે તો, જીવનમાં આવતી કોઈ પણ મુશ્કેલીનો હિંમતપૂર્વક આપણે તેનો સામનો કરી શકીશું.”
કાર્યક્રમને સફળ બનાવવા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. વિજયભાઈ પટેલનું માર્ગદર્શન મળ્યું હતું. વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી માર્ગદર્શન આપવા બદલ શાળાપરિવાર દ્વારા શ્રી રાજેશકુમાર ધામેલિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સંવાદમાં ઉત્સાહથી સહભાગી થનાર વિદ્યાર્થીઓને પુસ્તકો ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.