નિર્મિત નવચેતન ઇન્ટરનેશનલ સ્કુલ અને રાજગરી ગામે રૂ.૧૦ લાખના ખર્ચે સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ

નિર્મિત નવચેતન ઇન્ટરનેશનલ સ્કુલ અને રાજગરી ગામે રૂ.૧૦ લાખના ખર્ચે સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ
AM/NS (આર્સેલર મિત્તલ-નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા)ના સીએસઆર ફંડમાંથી ચોર્યાસી તાલુકાના જુનાગામે રૂ.૨.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત નવચેતન ઈન્ટરનેશન સ્કૂલ તેમજ રૂ.૧૦ લાખના ખર્ચે રાજગરી ગામે સ્માર્ટ આંગણવાડી કેન્દ્રનું વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વનમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, હજીરાના કાંઠા વિસ્તારના જૂના ગામમાં કોમ્પ્યુટર લેબ અને વિજ્ઞાન પ્રયોગશાળાની સુવિધાથી સજ્જ વિદ્યામંદિરના નિર્માણથી ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. દરિયાકાંઠા વિસ્તારના ૧૦ ગામોના બાળકોને ગુજરાતી, અંગ્રેજી માધ્યમનું શિક્ષણ મેળવવા હવે શહેર સુધી નહીં જવું પડે. આવનાર સમયમાં નાની ઉંમરમાં અધૂરું શિક્ષણ મુકાઈ ગયું હોય તેવા સિનિયર સિટીઝન પણ ફરીથી આ શાળામાં સાંજના સમયે શિક્ષણ મેળવી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
વધુમાં શ્રી પટેલે કહ્યું કે, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતમાં ‘રેઈન વોટર હાર્વેસ્ટિંગ’ની કામગીરીમાં સુરત જિલ્લો અગ્રેસર રહ્યો છે. જેમાં કોર્પોરેટ કંપનીઓ પણ સહભાગી બની રહી છે. CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબ્લિટી) ફંડમાંથી પાંચ હજારથી વધુ રેઈન વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રક્ચર તૈયાર કરવાનો સંકલ્પ કર્યો છે તે સરાહનીય છે.
ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, હજીરાના દરિયાકાંઠા વિસ્તારમાં વિકાસકાર્યો થઈ રહ્યા છે. વિદેશમાં હોય એવી અંગ્રેજી માધ્યમની ઈન્ટરનેશનલ શાળાનું નિર્માણ થવાથી દરિયાકાંઠાના ગામોના બાળકોને વિશ્વકક્ષાનું શિક્ષણ મળશે. ઈચ્છાપોરથી મોરા ગામ સુધી નહેરની બંને બાજુએ ટુ-વ્હીલર-મોટરકાર માટે ૧૦ કિમીની રસ્તો બનશે. ચોર્યાસી તાલુકામાં પીવાના પાણી, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, રોડ-રસ્તા સહિતન અનેક કામો પ્રગતિ હેઠળ હોવાનું તેમણે કહ્યું હતું.
નોંધનીય છે કે, AM/NS ઈન્ડિયાના CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી) ફંડમાંથી નવચેતન વિકાસ મંડળ સંચાલિત અંગ્રેજી માધ્યમની નવચેતન ઈન્ટરનેશનલ સ્કૂલમાં કોમ્પ્યુટર લેબ, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનની પ્રયોગશાળા, સ્માર્ટ અને ગ્રીન બોર્ડ સાથેના દસ ક્લાસ રૂમ, રમત-ગમતના સાધનો, લાઈટ, સીસીટીવી કેમેરા સહિતની અત્યાધુનિક સુવિધાયુક્ત શાળાનું નિર્માણ કરાયુ છે.
આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ તૃપ્તિબેન પટેલ, AM/NS ઇન્ડિયા એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર સંતોષ મુંદડા, CSR ઓલ ઇન્ડિયા હેડ ડો.વિકાસ યદવેંદુ, AM/NS પાવરના યુનિટ હેડ તુષાર સાવલિયા, નવચેતન વિકાસ મંડળના પ્રમુખ ભગુભાઈ પટેલ, એચઆર હેડ યોગેશભાઈ ગોર, CSR લીડ કિરણસિંહ સિંધા, આચાર્ય હસમુખભાઈ પટેલ, શાળાના બાળકો, સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.