ફિલ્મ “ઉડન છૂ” લાગણીઓ અને સંબંધોનું અદભૂત મિશ્રણ
ગુજરાતી ફિલ્મ “ઉડન છૂ” ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થતાની સાથે જ દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ ફિલ્મ ખાસ કરીને પરિવાર સાથે માણી શકાય તેવી છે અને તેના સબંધો અને લાગણીઓના અદભૂત મિશ્રણ સાથે આ ફિલ્મ એન્ટરટેઇન્મેન્ટ પેકેજ છે. નવેમ્બર ફિલ્મ્સ અને ઇન્દિરા મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં મનોરંજન માટે કોઈપણ પ્રકારની કચાસ રાખવામાં આવી નથી. જે લોકોને પારિવારિક અને કોમેડી ફિલ્મો જોવી પસંદ હોય એવા લોકોને આ ફિલ્મ પસંદ આવશે. ફિલ્મમાં ઘણા ઇમોશન છે, ઘણા સંબંધો દર્શાવવામાં આવ્યા છે અને આ જુદા જુદા સંબંધોની જુદી-જુદી લાગણીઓ દર્શાવવામાં આવી છે.
આ ફિલ્મમાં દેવેન ભોજાણી, પ્રાચી શાહ પંડ્યા, આર્જવ ત્રિવેદી, આરોહી પટેલ જેવા ખ્યાતનામ અને પ્રતિભાશાળી કલાકારો છે. આ ફિલ્મ સંપૂર્ણ પારિવારિક મનોરંજક છે.ફિલ્મ શરૂ થવાની સાથે જ તમને જકડી રાખે છે. ફિલ્મમાં જૂના મિત્રો વચ્ચે લાગણીઓનો સંબંધ, બાપ-દીકરીનો સંબંધ, મા-દીકરાની તકરાર, ભાઈ-બહેનનો પ્રેમભર્યો સંબંધ દર્શાવવામાં આવ્યો છે, તો કેવી રીતે હાઉસ હેલ્પને પરિવારનો જ ભાગ માનવામાં આવે છે એ પણ દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટે પોતપોતાની ભૂમિકાને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. સિંગલ મધર પાનકોર પાપડવાલાની ભૂમિકામાં અભિનેત્રી પ્રાચી શાહ પંડયા ઊંડાણ અને આકર્ષણ લાવે છે તો, સિંગલ ફાધર હસમુખ મહેતા તરીકે દેવેન ભોજાણીએ ખૂબ જ સારું કામ કર્યું છે.
અનીશ શાહનું અદ્દભૂત ડિરેક્શન અને તેઓ ઉપરાંત અંકિત ગોર અને પાર્થ ત્રિવેદી એ લખેલી આ સત્ય ઘટના પરની કાલ્પનિક વાર્તા એક એક ક્ષણે દર્શકોને જકડી રાખે છે. ફિલ્મના દરેક કલાકારોએ પોતાના પાત્રને પૂરી રીતે ન્યાય આપ્યો છે. ક્રિના (આરોહી પટેલ) એ હસમુખ પટેલ (દેવેન ભોજાણી)ની દીકરી હોય છે જેમનું સામાન્ય ફેમિલી બેકગ્રાઉન્ડ હોય છે. જયારે હાર્દિક (આર્જવ ત્રિવેદી) એ સિંગલ મધર પાનકોર પાપડવાલા (પ્રાચી શાહ પંડ્યા)નો દીકરો હોય છે જેમનો ખૂબ મોટો પાપડનો બિઝનેસ હોય છે. સહાયક કલાકારોમાં પિન્ટુ મામા તરીકે જય ઉપાધ્યાય, જ્હાન્વી તરીકે અલીશા પ્રજાપતિ અને સેમી તરીકે નમન ગોરનો સમાવેશ થાય છે, જેઓ એ આ ફિલ્મની વાર્તામાં ચાર ચાંદ લગાડી દીધા છે.
‘ઉડન છૂ’ ગુજરાતી સિનેમામાં કુટુંબ અને આનંદની પરિચિત થીમ્સ પર તાજગીપૂર્ણ પરિપ્રેક્ષ્ય પ્રદાન કરીને પોતાને અલગ તારવે છે. “ઉડન છૂ” તેના સંબંધિત પાત્રો અને સાર્વત્રિક અપીલ સાથે એક નવો વળાંક રજૂ કરે છે. ‘ઉડન છૂ’ એ માત્ર એક ફિલ્મ નથી; તે જીવન, પ્રેમ અને હાસ્યનો ઉત્સવ છે.
આ ફિલ્મ ને 5માંથી 4 સ્ટાર આપીશું.