કીમ-કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાના કાવતરામાં બે રેલવે કર્મચારી સહિત ત્રણની ધરપકડ

કીમ-કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાના કાવતરામાં બે રેલવે કર્મચારી સહિત ત્રણની ધરપકડ
ત્રણેય રેલવે કર્મચારીએજ પેડલોક અને ફિશપ્લેટ કાઢી રેલવે ટ્રેક ઉપર મુકી હતી, આરોપીઓની કબુલાતથી પોલીસ અને રેલવે તંત્ર ચોંકી ઉઠ્યું
સુરતના કીમ-કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાના કાવતરાની તપાસમાં ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે.આ કાવતરુ અન્ય કોઈએ નહી પરંતુ રેલવેના જ કર્મચારીઓએ ઘડ્યું હતું. જિલ્લા પોલીસે ઘટનાની પ્રથમ જાણ કરનાર સહિત ત્રણ કર્મચારીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ પોતાના વ્યકિતગત લાભ માટે કૂત્ય કર્યું હોવાની કરેલી કબુલાતને પગલે પોલીસ અને રેલવે તંત્ર ચોકી ઉઠ્યુ છે.
જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશકુમાર જાયસરે જણાવ્યું હતું કે શનિવારે વહેલી સવારે કીમ-કોસંબા વચ્ચે કીમ ખાડીના બ્રિજઉપર અપલાઈન પર રેલવે ટ્રેકની ૭૧ પેડલોક (ઈલાસ્ટીક રેલ ક્લિપ) અને બે ફિશપ્લેટ કાઢી રેલવે પાટા ઉપર મુકી ટ્રેન ઉથલાવવાનો કાવતરાના પર્દાફાશ થયો હતો.આ ગુનાનો ભેદ ગણતરીના દિવોસમાં ઉકેલી કાઢવામાં સફળતા મળી છે. પોલીસે આ ઘટનામાં અન્ય કોઈની નહી પરંતુ ઘટનાની જાણ કરનાર રેલવે કર્મચારી સુભાષકુમાર ક્રિષ્ણદેવ પોદાર (ઉ.વ.૩૯.રહે, કીમ શિïવધારા રેસીડેન્સી), મનીષકુમાર સુર્યદેવ મિસ્ત્રી (ઉ.વ.૨૮, રહે.કીમ રેલવે કોલોની) અને કોન્ટ્રાકમાં લેબર તરીકે કામ કરતા શુભમ જયપ્રકાશ જયસ્વાલ (ઉ.વ.૨૬.રહે, કીમ મુન્ના એજન્સી સોસાયટી, ઓલપાડ)ની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં માસ્ટર માઈન્ડ સુભાષ પોદાર છે. આને જ આ કુત્ય કરવાનો પહેલો વિચાર આવ્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે વિભાગીય અધિકારી આર.આર.સરવૈયાના સુપરવિઝન હેઠળ એલસીબી, એસઅોજી સહિતના માણસોની ૧૬ જેટલી ટીમો બનાવી હતી. તપાસ દરમ્યાન પોલીસે સૌથી પહેલા નજરે જાનારા સુભાષ ક્રિષ્નદેવ પોદારે પોતાના મોબાઈલમાં ઉતારેલા ફોટો અને વિડીયોનો સમય અને તેના નિવેદનમાં બતાવેલ સમયમાં તથા રેલવે વિભાગ તરફથી મળેલ માહિતીના આધારે વિડીયોમાં બતાવેલ સમય ખુબજ નજીકના સમયે ત્યાંથી અન્ય ટ્રેન પસાર થઈ તેમ ન હોય અને સમાયમાં તફાવત આવતા તેના ઉપર શંકા ગઈ હતી અને સુભાષ સહિત ત્રણેય આરોપીઓના મોબાઈલ ચેક કરતા મનીષકુમારના મોબાઈલમાં પાડેલા ફોટા અને વિડીયો ડિલીટ મારી દેતા રીસાઈકલબીન હિસ્ટ્રીમાંથી મળી આવ્યા હતા.શંકાના આધારે ત્રણેય જણાની અટકાયત કરતા ભાંગી પડ્યા હતા અને પોતે જ ટ્રેક ઉપર નાઈટ પેટ્રોલીંગ વખતે ષડયંત્ર રચી રેલવે ટ્રેક ઉપર જાતેજ ઈઆરસી ક્લીપો કાઢી નાખી તથા જાગલફીશ પ્લેટ ખોલી ટ્રેક ઉપર મુકી હતી. અને અજાણ્યાઓએ ટ્રેન ઉથલાવી નાખવા માટે ટ્રેક ઉપર મુક્યા હોવાની ખોટી હકીકત ઉભી કરી હોવાની કબુલાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બનાવની ગંભીરતાથી લઈને એનઆઈએ અને એટીએસની ટીમ પણ તપાસ માટે દોડી આવી હતી.
એવોર્ડ, પ્રસિદ્ધિ અને નાઈટ ડ્યુટી ચાલુ રહે તે માટે ષડયંત્ર રચ્યું
પુછપરછમાં ભાંગી પડેલા ત્રણેય આરોપીઓએ કરેલી કબુલાત પોલીસ પણ ચોકી ઉઠી હતી. એવોર્ડ, સોશ્યલ મીડીયામાં પ્રસિદ્ધિ તથા પોતાની રાત્રીના સમયની મોન્સુન નાઈટ ડ્યુટી ટુક સમયમાં બંધ થતી હોવાથી અને નાઈટ ડ્યુટી ચાલુ રહે તો બીજા દિવસમાં ઓફ મળે તેમા ફેમીલી સાથે બહાર જઈ શકાય તે હેતુથી આવો બનાવ બને તો મોન્સુન નાઈડ ડ્યુટી લંબાઈ જાય અને લાંબા સમય સુધી ચાલે તેવો હતો.