બારડોલી ખાતે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ

બારડોલી ખાતે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ
વંદે માતરમ, ભારત માતાની જય’ના નારા સાથે દેશભક્તિમય માહોલ સર્જાયોઃ
તિરંગા યાત્રા આપણને એકતાના સૂત્રમાં બાંધી રાખીને રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જાળવી રાખતો અવસર છેઃ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર
૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે બારડોલી તાલુકા વહીવટીતંત્ર દ્વારા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાઃ સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગની થીમ સાથે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની આગેવાનીમાં બારડોલી તાલુકા મથકે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. વંદે માતરમ, ભારત માતાની જય ના નારા સાથે દેશભક્તિમય માહોલ વચ્ચે તિરંગા યાત્રા શ્રી સાંઈ બાબા મંદિર થી શ્રી રંગ અવધુત મંદિર સુધી યોજાઈ હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે એ હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ‘ઓપરેશન સિંદૂર’ કરોડો ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે. ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા ભારતીય સેનાએ આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. આ આતંકવાદ સામે ભારતની લડાઈની એક જ્વલંત સફળતા છે. તિરંગા યાત્રા આપણને એકતાના સૂત્રમાં બાંધી રાખીને રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જાળવી રાખતો અવસર છે. ધારાસભ્યશ્રીએ સૌને પોતાના ઘર પર તિરંગો ફરકાવવાનો અનુરોધ કર્યો હતો.
તિરંગા યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી જમનાબેન, પ્રાંત અધિકારી જીજ્ઞાબેન પરમાર, ઈ.મામલતદારશ્રી મેહુલ પટેલ, તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહ પરમાર, જિ.પંચાયતના સભ્ય ભાવેશભાઈ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ આનંદ પટેલ, પરીક્ષિત દેસાઈ, હિમાંશુ પટેલ, જીતેન્દ્રભાઈ વાંસિયા, ધામડોદ લુંભા ગામના ઉપ સંરપચ પિયુષભાઈ પટેલ, પોલીસ જવાનો, બારડોલીના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.