સાધલી મુકામે મેઈન રસ્તા પર વિશાળ જગ્યામાં થતું બિનઅધિકૃત પાર્કિંગ

સાધલી મુકામે મેઈન રસ્તા પર વિશાળ જગ્યામાં થતું બિનઅધિકૃત પાર્કિંગ
પોલીસ તંત્રની બેદરકારી
સાધલી મુકામે મુખ્ય બજારમાં આવેલ સાધલી આઉટ પોસ્ટ પોલીસ ચોકી તથા ક્વાટર્સ જર્જરીત થવાથી આશરે ત્રણ વર્ષ પહેલા તોડી પાડવામાં આવ્યા હતા અને જે તે સમયે સાધલી બજાર સમિતિના મેળા ઉપર તેઓને ઓફિસ ભાડે આપવામાં આવી હતી. જેનું ભાડું બજાર સમિતિ દ્વારા બબ્બે વાર માંગવા છતાં આપ્યું નહોતું, પરંતુ હાલ બજાર સમિતિને જરૂર હોવાથી આ આઉટ પોસ્ટ પોલીસ ચોકીને જગ્યા ખાલી કરવા માટે લેખિત તથા મૌખિક સૂચના આપવામાં આવેલ છે.
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી મુકામે મેઇન રસ્તા ઉપર વિશાળ જગ્યામાં આઉટ પોસ્ટ પોલીસ ચોકી તથા ક્વાટર્સ બનાવેલા હતા અને ત્યાં ઓફિસ ચાલતી હતી, પરંતુ આ બિલ્ડીંગ જર્જરિત થવાના કારણે આશરે ૩ થી ૪ વર્ષ પહેલાં સંપૂર્ણ તોડી પાડવામાં આવેલ હતું, જ્યાં હાલમાં ગંદકી ફેલાવતો કચરો અને બિન અધિકૃત રીતે પાર્કિંગનું સ્થળ બની ગયેલ છે અને પોલીસ તંત્રની બેદરકારીના કારણે નવીન બાંધકામ થતું નથી.
આશરે ત્રણ વર્ષ પહેલાં તે સમયે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સાધલી ની ઓફિસ ઉપર પોલીસ તંત્રને આઉટ પોસ્ટ પોલીસ ચોકી બનાવવા માટે રૂમ તથા મીટીંગ હોલ ભાડેથી આપવામાં આવેલ હતો, પરંતુ આજે ત્રણ વર્ષ ઉપરાંત નો સમય થયો હોય ,અને અગાઉ બજાર સમિતિએ બે બે વાર ઠરાવ કરીને જવાબદાર તંત્ર પાસે મકાન ભાડા ની માંગણી કરી હોવા છતાં ગમે તે કારણોસર પોલીસ તંત્ર દ્વારા ભાડું આપવામાં આવેલ ન હતું અને આ આઉટ પોસ્ટ પોલીસ ચોકી બિન્દાસ રીતે ઉપરનો હોલ તથા ઓફિસ વિના મૂલ્યે વાપરતા હતા. બજાર સમિતિ દ્વારા સતત ભાડું બાકી હોવા છતાં પણ જગ્યા કેમ ખાલી ના કરાવી તે ચર્ચાનો વિષય છે. હાલમાં બજાર સમિતિના સત્તાધીશો દ્વારા આ સ્થળે અન્ય બાંધકામ કરવાનું હોવાથી સાધલી આઉટ પોસ્ટ પોલીસ ચોકી તથા શિનોર પોલીસ સબ ઇન્સ્પેક્ટરને દોઢ મહિના પહેલા લેખિતમાં આ જગ્યા ખાલી કરી આપવા માટે જાણ કરી હતી અને ચેરમેન તથા સેક્રેટરી દ્વારા વારંવાર સાધલી આઉટ પોસ્ટના જમાદારને મૌખિક રીતે પણ જગ્યા ખાલી કરવા માટે જાણ કરાયેલ છે. છતાં આજ દિન સુધી ખાલી કરવામાં આવેલ નથી, તે કડવી પણ સત્ય હકીકત છે.
તાજેતરમાં નવા આવેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. એસ. જાડેજાને બજાર સમિતિ દ્વારા લેખિતમાં ઓફિસ ખાલી કરવા આપેલા પત્ર બાબતે પૂછતાં જાણવા મળ્યું કે અગાઉ ના પી.એસ.આઇ.ને આપવામાં આવેલ હશે ,પરંતુ હું હાલમાં નિમણૂક પામેલ હોય આ અંગેની પૂરતી માહિતી નથી, સાધલી આઉટ પોસ્ટમાં તપાસ કરશો.
સાધલી આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલ વર્ધાજીભાઈ ને આ બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું કે અગાઉ શિનોર પોલીસ સ્ટેશને બજાર સમિતિ દ્વારા લેખિતમાં ઓફિસ ખાલી કરવા જાણ કરાયેલ હતી અને અમોને પણ મૌખિક રીતે આ જગ્યા ખાલી કરી આપવા માટે વારંવાર જાણ કરેલ છે અને અમો અન્ય જગ્યા હાલ શોધી રહ્યા છે . પરંતુ બજાર સમિતિને એકાએક જરૂર પડશે તો માત્ર બે ચાર દિવસમાં અમો આ ખાલી કરી આપીશું ,કારણકે અત્યાર સુધી વગર ભાડાએ અમોને જે સવલત આપી છે, તે અમો ભૂલી શકીએ નહીં. ગ્રામ પંચાયત કે અન્ય કોઈ વ્યવસ્થિત જગ્યા આપશે તો અમે તુરંત ત્યાં શિફ્ટ થઈ જઈશું.
સાધલી મુકામે પોલીસ સ્ટેશનની પોતાની વિશાળ જગ્યા હોવા છતાં અને ટોટલ ડિમોલેશન ત્રણ વર્ષ અગાઉ કર્યું હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરોડો રૂપિયાની આ ખુલ્લી જગ્યા ઉપર અત્યાર સુધી નવીન બાંધકામ થયું નથી અને કેમ કરવામાં આવ્યું નથી, તે પણ તપાસ નો વિષય થઈ પડેલ છે, ગ્રામ પંચાયત દ્વારા આ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી સહિત ગૃહ મંત્રીને આ બાબતે લેખિત ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં સરકાર દ્વારા ટપાલ નો કોઈ જવાબ આપવાની પણ તસ્દી લેવામાં આવેલ નથી.