ઓપરેશન પરાક્રમ અંતર્ગત શિનોર પોલીસે બે મોટી ચોરીઓ ડિટેક્ટ કરી; ચાર આરોપી ઝડપાયા, ₹96,766 રોકડ સહિત મુદ્દામાલ જપ્ત

ઓપરેશન પરાક્રમ અંતર્ગત શિનોર પોલીસે બે મોટી ચોરીઓ ડિટેક્ટ કરી; ચાર આરોપી ઝડપાયા, ₹96,766 રોકડ સહિત મુદ્દામાલ જપ્ત
શિનોર તાલુકામાં ચકચાર મચાવનાર સાધલી સ્થિત મનન વિદ્યાલયમાં તારીખ 16 ડિસેમ્બરે થયેલી ₹4,37,000ની ચોરી તેમજ તારીખ 20 ડિસેમ્બરે આણંદી–સેગવા માર્ગ પર આવેલા મારુતિ સુઝુકી શોરૂમમાંથી થયેલી ₹70,270ની ચોરીના અનડિટેક્ટ ગુનાઓને શિનોર પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત સફળતાપૂર્વક ડિટેક્ટ કર્યા છે.
શિનોર પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ પુરાવાના આધારે બાતમીદાર મારફતે આરોપીઓની ઓળખ કરી તારીખ 22 ડિસેમ્બરના રોજ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ ₹96,766 રોકડ, ચાર મોબાઇલ ફોન (કિંમત અંદાજે ₹10,000) તેમજ TVS Apache મોટરસાયકલ (નં. GJ-20-BL-7960) કિંમત અંદાજે ₹50,000 જપ્ત કરવામાં આવી છે.
પકડાયેલા ચારેય આરોપીઓ અગાઉથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાંચમો આરોપી ચંદુ ઉર્ફે સરદાર છગનભાઈ મેડા, રહેવાસી ગુલબાર, તાલુકો ગરબાડા, જિલ્લો દાહોદ, હાલ ફરાર છે અને તેને ઝડપી પાડવાની કાર્યવાહી ચાલુ છે.
પકડાયેલા આરોપીઓ કાંતિભાઈ મડીયા ભાભોર, રાજેશભાઈ માવી, બાબુભાઈ માવી અને વિકાસ માવીને તારીખ 23 ડિસેમ્બરે નામદાર કોર્ટમાં રજૂ કરતા 29 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
આ સમગ્ર કામગીરીમાં શિનોર પોલીસ સ્ટેશનના પી.આઈ. ગોહિલ, બે પી.એસ.આઈ., એક એ.એમ.એસ.આઈ., પાંચ હેડ કોન્સ્ટેબલ અને છ પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ 15 સભ્યોની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
શિનોર પોલીસે આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી સેગવા તથા સાધલી બજાર તેમજ મનન વિદ્યાલય ખાતે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. હાલ વધુ રોકડ મુદ્દામાલ કબજે કરવાનો બાકી છે અને રિમાન્ડ દરમિયાન ફરાર આરોપીને પકડી 100 ટકા ચોરીની રકમ રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી પ્રજામાં આશા છે.



