કેન્દ્રિય નાણામંત્રીશ્રી નિર્મલા સીતારમનના હસ્તે વલસાડના ઇન્કમટેક્સ ઓફિસરને એવોર્ડ એનાયત
ભારતીય ઇન્કમટેક્સ વિભાગને ૧૬૫ વર્ષ પૂરા થયા છે. વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશના ૨૯ અધિકારીઓનું નાણામંત્રી નિર્મલા સિતારમનના હસ્તે રાષ્ટ્રિય કક્ષાએ દિલ્હી ખાતે સન્માન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતના એક માત્ર અધિકારી તરીકે વલસાડ ઈન્કમ ટેક્સ ઓફિસર ધર્મેન્દ્ર(ધર્મેશ) ટેકવાણીનું સર્ટિફિકેટ ઓફ એકસેલન્સ દ્વારા સન્માન કરાયું છે. જેના પગલે સમગ્ર વલસાડ સાથે ગુજરાત ઇન્કમટેક્સ વિભાગમાં ખુશીની લહેર ફરી વળી હતી.
ઇન્કમટેક્સ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી બદલ દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓની પસંદગી થતી હોય છે. આ વર્ષે ગુજરાતમાં એક માત્ર અધિકારીની પસંદગી થઇ હતી. જેમાં વલસાડના ઇન્કમટેક્સ ઓફિસર ધર્મેન્દ્ર ટેકવાણીની પસંદગી થઇ હતી. તેમના દ્વારા વલસાડ અને દમણના ઇન્કમટેક્સ અધિકારી તરીકે વર્ષ ૧૯૭૦-૭૧ અને વર્ષ ૧૯૭૧-૭૨ના વર્ષની જૂની ડિમાન્ડની વસૂલાત થઇ હતી. આ વસૂલાત રૂ. ૧૦ કરોડ થી વધુની હતી. જેમાં મોટું વ્યાજ અને પેનલ્ટી સામેલ હતી. ૫૩ વર્ષ જૂની વ્યાજ સાથેની વસૂલાત કરવા બદલ તેમની રાષ્ટ્રિય કક્ષાએ પસંદગી થવા પામી છે.
રાષ્ટ્રિય કક્ષાએ એવોર્ડ મેળવનાર ઇન્કમટેક્સ અધિકારી ધર્મેન્દ્ર(ધર્મેશ) ટેકવાણી હાલ સેલવાસ ઇન્કમટેક્સ વિભાગનો હવાલો સંભાળી રહ્યા છે. તેમની આ સિદ્ધિ બદલ વલસાડ જ નહી, પરંતુ સમગ્ર ગુજરાત અને સંઘ પ્રદેશ દમણ અને સેલવાસના અધિકારીઓમાં પોતાના કામ પ્રત્યે ઉત્સાહની લાગણી જન્મી છે.