ધર્મ દર્શન

શિવલિંગની પૂજા કેમ કરવામાં આવે છે?

શિવલિંગની પૂજા કેમ કરવામાં આવે છે?

શિવાલયના નિજ મંદિરમાં જે શિવલિંગ હોય છે તેને આત્મલિંગ કે બ્રહ્મલિંગ કહે છે.અહી વિશ્વકલ્યાણ નિમગ્ન બ્રહ્માકાર વિશ્વાકાર ૫રમ આત્મા જ સ્થિત હોય છે.હિમાલય જેવું શાંત મહાન સ્મશાન જેવું સુમસામ શિવરૂ૫ આત્મા જ ભયંકર શત્રુઓની વચ્ચે રહી શકે છે અને તે જ કાલાતીત મહાકાલ કહેવાય છે અને તે જ સંતોષી તપસ્વી અપરિગ્રહી જીવન સાધનાનાં પ્રતિક છે.

તમામ દેવતાઓની પૂજા મૂર્તિના રૂપમાં થાય છે પરંતુ ભગવાન શિવના લિંગની પૂજા કેમ કરવામાં આવે છે? એકમાત્ર ભગવાન શિવ જ બ્રહ્મસ્વરૂપ હોવાના કારણે નિષ્કલ નિરાકાર કહેવામાં આવ્યા છે આ તમામ વેદોનો મત છે.શિવલિંગ શિવના નિરાકાર સ્વરૂપનું પ્રતિક છે.તમામ અંગ આકાર સહિત સાકાર અને અંગ આકારથી સર્વથા રહિત નિરાકાર રૂપ શબ્દથી ઓળખાતા પરમાત્મા છે એટલે તમામ ભક્તો લિંગ(નિરાકાર) અને મૂર્તિ (સાકાર) બંન્નેમાં ભગવાન શિવની પૂજા કરે છે.શિવથી અલગ જેટલા પણ દેવી-દેવતા છે તે સાક્ષાત બ્રહ્મ નથી.જે શ્રવણ-મનન અને કિર્તન આ ત્રણે સાધનોના અનુષ્ઠાનમાં સમર્થ ના હોય તેમને ભગવાન શિવના લિંગ અને મૂર્તિની સ્થાપના કરીને નિત્ય પૂજા કરે તો સંસાર સાગરથી પાર થઇ શકે છે.

શિવપુરાણમાં કહ્યું છે કે મારા બે રૂપ છે સકલ અને નિષ્કલ.પહેલાં હું જ્યોતિઃસ્તંભ (જ્યોતિર્મય લિંગ) રૂપે પ્રગટ થયો. હું જ પરબ્રહ્મ પરમાત્મા છું.કલાયુક્ત અને અકલ મારા જ સ્વરૂપ છે. જીવો ઉપર અનુગ્રહ કરવું એ મારૂં કાર્ય છે.સર્વત્ર સમરૂપથી સ્થિત અને વ્યાપક હોવાથી હું તમામનો આત્મા છું.સમગ્ર જગત ભગવાન શિવ દ્વારા જ ઉત્પન્ન થાય છે અને એક દિવસ તેમની અંદર જ સમાય જાય છે. જો લિંગરૂપનુ પૂજન થાય છે તો તેમાં સમસ્ત બ્રહ્માંડનું પૂજન થઇ જાય છે તેથી શિવ જ એક એવા ભગવાન છે કે જેમને પ્રતિમા અને લિંગ બંને રૂપમાં પૂજવામાં આવે છે.

સૃષ્ટિ,પાલન,સંહાર,તિરોભાવ અને અનુગ્રહ-આ પાંચ મારાં જગત સબંધી કાર્યો છે.સંસારની રચનાના આરંભને સર્ગ કે સૃષ્ટિ કહે છે.મારા દ્વારા પાલિત સૃષ્ટિ સુસ્થિરરૂપે રહે છે તેને સ્થિતિ કહે છે.તેના વિનાશને સંહાર કહે છે.પ્રાણોના ઉત્ક્રમણને તિરોભાવ કહે છે અને આ બધાથી છુટકારો મેળવવો એ જ મારો અનુગ્રહ છે.સૃષ્ટિ પાલન સંહાર અને તિરોભાવ વગેરે ચાર કૃત્ય સંસારનો વિસ્તાર કરનાર છે.પાંચમુ કૃત્ય અનુગ્રહ મોક્ષનો હેતુ છે.મારા ભક્તો આ પાંચેય કૃત્યોને પાંચ ભૂતોમાં જુવે છે.સૃષ્ટિ ભૂતલમાં, સ્થિતિ જળમાં, સંહાર અગ્નિમાં, તિરોભાવ વાયુમાં અને અનુગ્રહ આકાશમાં સ્થિત છે.

ભગવાન શિવની પૂજા શિવલિંગના રૂપમાં જ કેમ કરવામાં આવે છે.શિવલિંગ કેવી રીતે બન્યું? કેવી રીતે તેની ઉત્પત્તિ થઇ.આવા ઘણા બધા પ્રશ્ન શિવભક્તોના દિમાગમાં ઉભા થાય છે.અજ્ઞાની અને મૂરખ લોકોએ અમારા હિન્દુ ધર્મને મજાક બનાવવા માટે શિવલિંગને શિવના જનનાંગ સાથે જોડી દીધેલ છે. શિવનો અર્થ છે કલ્યાણ કરનાર અને લિંગનો અર્થ છે બનાવનાર,એટલે શિવલિંગપૂજામાં અમે સંપૂર્ણ જગતના નિર્માતા સર્વશક્તિમાન શિવની પૂજા કરીએ છીએ.શિવલિંગ ભગવાન શિવના નિરાકાર રૂપની મહિમા બતાવે છે.શિવ જ જગતના આદિ-અનાદિ અને અંત છે.તમામ જગતના આધાર શિવ છે.સંપૂર્ણ બ્રહ્માંડ લિંગરૂપમાં છે અને જલધારી પૃથ્વી છે.

લિંગનો અર્થ છે પ્રતિક,ચિન્હ,નિશાની,ગુણ,સુક્ષ્મ વગેરે છે.શિવની પૂજા શિવલિંગના રૂપમાં સદિયોથી ચાલી આવી છે.રામાયણ અને મહાભારતના સમયમાં પણ શિવલિંગની પૂજા વિશે વર્ણન છે.શિવલિંગમાં ત્રિદેવની શક્તિ સમાયેલ છે.મૂળમાં બ્રહ્મા,મધ્યમાં વિષ્ણુ અને ઉપર ભગવાન શંકર.જલધારીના રૂપમાં શક્તિ.આમ શિવલિંગની પૂજાથી અમે તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ.

લિંગ શબ્દ સૂક્ષ્મ શરીરના અર્થમાં પણ વપરાય છે.સૂક્ષ્મ શરીરના મૂળમાં ઓગણીસ તત્વ છે.પાંચ જ્ઞાનેન્દ્રિયો (આંખ કાન નાક જીભ અને ત્વચા) પાંચ કર્મેદ્રિયાં(હાથ પગ મુખ ગુદા અને ઉ૫સ્થ) પાંચ પ્રાણ (પ્રાણ અપાન સમાન વ્યાન ઉદાન) મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર.આ બધાના દાતા શિવ છે.પ્રલયકાળમાં આ ઓગણીસ તત્વો શિવમાં સમાય જાય છે.શિવ અને શક્તિ બંને લિંગ રૂપમાં સમાયેલ છે.શક્તિ વગર શિવ અધૂરા છે અને શિવ વગર શક્તિનુ અસ્તિત્વ નથી તેથી લિંગરૂપમાં પૂજન કરવાથી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button