કતારગામની પી. પી. સવાણી રેડિયન્ટ એકેડેમીમાં ઝોન કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

કતારગામની પી. પી. સવાણી રેડિયન્ટ એકેડેમીમાં ઝોન કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
પ્રદર્શનમાં ૫૬થી વધુ શાળાઓએ ભાગ લઈ ૧૦૨ થી વધુ નવીન વૈજ્ઞાનિક પ્રોજેક્ટ રજૂ કર્યા
કતારગામ સ્થિત પી. પી. સવાણી રેડિયન્ટ ઈંગ્લીશ એકેડેમીમાં કતારગામ ઝોન કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ૫૬થી વધુ શાળાઓએ ઉત્સાહભેર ભાગ લઇ કુલ ૧૦૨થી વધુ નવીન વૈજ્ઞાનિક પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે, બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ, આત્મવિશ્વાસ અને વિજ્ઞાન પ્રત્યે ભિરૂચિ કેળવવા માટે આવા કાર્યક્રમો અત્યંત પ્રેરણારૂપ અને નવી પેઢી માટે આદર્શ મંચ પૂરો પાડે છે.
બાળ વૈજ્ઞાનિકોએ પોતાના પ્રોજેક્ટમાં સર્જનાત્મકતા અને નવીનતા દર્શાવી વિજ્ઞાનને જીવન સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. માર્ગદર્શક શિક્ષકો તેમજ પ્રોજેક્ટ નિર્માણમાં સહભાગી તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા. ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર અને વિજેતા બાળકોને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે જિ. શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય ડો. સંજયસિંહ બારડ, શિક્ષણ નિરીક્ષક ડો.સંગીતાબેન મિસ્ત્રી, મદદનીશ શિક્ષણ નિરીક્ષક શીતલ પટેલ, શાળાના ટ્રસ્ટી હિંમતભાઈ સવાણી, મીત સવાણી, શાળાના આચાર્ય ડો.રિતેશ અગ્રવાલ, એસવીએસ કન્વીનર તૃપ્તિબેન પટેલ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.