ગુજરાત

એસપીબી કોલેજમાં “નશામુક્ત યુવા વિકસિત ભારત@2047” વિષય પર બૌદ્ધિક વ્યાખ્યાન યોજાયું

નશામુક્ત યુવા જ વિકસિત ભારતનો આધાર
એસપીબી કોલેજમાં “નશામુક્ત યુવા વિકસિત ભારત@2047” વિષય પર બૌદ્ધિક વ્યાખ્યાન યોજાયું
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લીશ મીડીયમ કોલેજ ઓફ કોમર્સ, સુરતની પ્લાનીંગ ફોરમ કમિટી દ્વારા તા. ૦૮/૦૮/૨૦૨૬, શનિવારના રોજ એસપીબી કોલેજ કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓમાં નશામુક્તિ અંગે જાગૃતિ લાવવા “નશા મુક્તિ જનજાગરણ અને રાષ્ટ્રીય નશા મુક્તિ પ્રતિજ્ઞા કાર્યક્રમ” વિષય પર બૌદ્ધિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને નશાની આદતથી થતા વ્યક્તિગત, શારીરિક, માનસિક, આર્થિક તેમજ સામાજિક નુકસાન અંગે જાગૃત કરવાનો અને વિદ્યાર્થીઓને નશામુક્ત તથા સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો હતો. આજના સમયમાં યુવાનોમાં વિવિધ પ્રકારના વ્યસનોનું પ્રમાણ વધતું જોવા મળે છે ત્યારે વિદ્યાર્થીઓને નશાથી દૂર રાખવા અને સમાજમાં નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા માટે આવા કાર્યક્રમોનું મહત્વ વિશેષ છે.
કાર્યક્રમમાં વક્તાશ્રી તરીકે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, સુરતના બાલાજી રોડ સેવાકેન્દ્રનાં મુખ્ય સંચાલિકા બીકે ફાલ્ગુનીબેન, શ્રી હિતેન્દ્ર ચોરાવાલા તથા ડૉ. શિલ્પા મહેતા ઉપસ્થિત રહ્યા હતા. વક્તાશ્રીઓએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી નશાની ટેવ કેવી રીતે વ્યક્તિના જીવનમાં પ્રવેશ કરે છે અને ધીમે ધીમે તેના જીવનને અસર કરે છે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
વ્યાખ્યાન દરમિયાન નશાની ટેવથી થતા વિવિધ પ્રકારના નુકસાન અંગે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. નશાના કારણે વ્યક્તિના સ્વાસ્થ્ય પર થતી હાનિકારક અસરો, માનસિક તણાવ, પરિવાર સાથેના સંબંધોમાં થતી તકલીફો તેમજ વ્યક્તિની સામાજિક પ્રતિષ્ઠા પર થતી અસર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે નશાની આદત વ્યક્તિ અને તેના પરિવાર પર આર્થિક બોજ ઊભો કરે છે તથા સમય જતાં તેના અભ્યાસ, કારકિર્દી અને સમગ્ર જીવન પર નકારાત્મક અસર કરી શકે છે તે અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
વક્તાશ્રીઓએ વિદ્યાર્થીઓને નશાથી દૂર રહીને પોતાના જીવનમાં સકારાત્મક વિચારો, સારા સંસ્કારો, સ્વસ્થ જીવનશૈલી અને યોગ્ય લક્ષ્યો અપનાવવા માટે પ્રેરણા આપી હતી. યુવાનો દેશનું ભવિષ્ય હોવાથી જો યુવા પેઢી સ્વસ્થ, સશક્ત અને નશામુક્ત રહેશે તો જ દેશના વિકાસને વધુ વેગ મળશે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા વક્તાશ્રીઓ દ્વારા નશામુક્તિની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં કોઈપણ પ્રકારના નશાથી દૂર રહેવા તેમજ પોતાના પરિવાર, મિત્રો અને સમાજમાં પણ નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો હતો.
આ કાર્યક્રમમાં એસપીબી કોલેજના આશરે ૧૭૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ માટે આ વ્યાખ્યાન જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી રહ્યું હતું. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં નશાના દૂષણો અંગે જાગૃતિ સાથે સ્વસ્થ અને જવાબદાર જીવન જીવવાની ભાવના વિકસે તેવો હેતુ સિદ્ધ થયો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના ઇનચાર્જ આચાર્ય ડૉ. આશિષ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજન અને સંચાલનમાં પ્લાનીંગ ફોરમ કમિટીનાં ચેરમેન શ્રીમતી હીરાબેન પંડ્યા તથા કમિટીના સભ્ય ડૉ. પ્રતીક પસ્તાગીયાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કોલેજ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સામાજિક જાગૃતિ માટે આવા જાગૃતિસભર કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button