ગુજરાત

સુરત સિવિલ હોસ્પિટલ રેસિડેન્ટ ડોક્ટર આપઘાત કેસ

  • સુરત સિવિલ હોસ્પિટલ રેસિડેન્ટ ડોક્ટર આપઘાત કેસ
  • એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટ અને ઉચ્ચસ્તરીય તપાસ બાદ ચાર રેસિડેન્ટ ડોક્ટર સસ્પેન્ડ અને ચાર ફેકલ્ટીને કારણદર્શક નોટિસ
    રાત્રે 8.30 થી વહેલી સવારે 4.00 વાગ્યા સુધી ચાલેલી મેરેથોન બેઠક બાદ કમિટીની કડક કાર્યવાહી
  •  સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડો. હર્ષ પંડ્યાના દુઃખદ આપઘાતની ઘટના સંદર્ભે રાજ્ય સરકારના કડક નિર્દેશો અને આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ત્વરિત અને પારદર્શક તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગંભીર મામલે સિવિલ હોસ્પિટલના ડીન અને મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય કમિટી સમક્ષ પ્રથમ વર્ષના નવ રેસિડેન્ટ ડોક્ટર્સ અને મૃતકના પિતાજીની ફરિયાદના આધારે નિવેદનો નોંધવામાં આવ્યા હતા. કમિટીએ રાત્રે 8.30 થી વહેલી સવારના 04.00 વાગ્યા સુધી મેરેથોન બેઠક યોજી હતી અને એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા માઈક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ તબીબો, ફેકલ્ટી, ટેકનિશિયન તથા સફાઈકર્મીઓના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ કમિટીને રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હતો.
  • કમિટીના અહેવાલના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ ચાર રેસિડેન્ટ ડોક્ટરો; ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભુત ને છ માસ માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા તેમજ કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવા સખત આદેશ કરાયો છે. આ સાથે જ માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડૉ. સુમૈયા મુલ્લા સહિત ફેકલ્ટી; ડૉ. સંગીતા રાજદે, ડૉ. યોગિતા મિસ્ત્રી અને ડૉ. લતિકા પુરોહિત ને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. એન્ટી રેગિંગ કમિટીના આ સમગ્ર રિપોર્ટને કોલેજ કાઉન્સિલ દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે અને ભવિષ્યમાં આવી નિંદનીય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ગંભીર સમીક્ષા કરી વહેલી સવારે રાજ્ય સરકારને સત્તાવાર અહેવાલ સુપરત કરી દેવામાં આવ્યો છે. આ કેસમાં રાજ્ય સરકાર દ્વારા ઝડપી અને પારદર્શક તપાસ થકી સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે શિસ્તભંગ કે રેગિંગની બાબતો અને તેમાં સંડોવાયેલાઓને બક્ષવામાં આવશે નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button