જન્માષ્ટમીના પાવન પર્વે સુરત શહેર પોલીસના તાબામાં આવી ૬૫ નવી PCR વાન

જન્માષ્ટમીના પાવન પર્વે સુરત શહેર પોલીસના તાબામાં આવી ૬૫ નવી PCR વાન: નાગરિકોની સુરક્ષા અને સેવા માટે કાર્યરત

સુરત: શ્રાવણ વદ આઠમ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ દિવસ ‘જન્માષ્ટમી’ના પાવન તહેવાર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં જનસુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવાના આશયથી કુલ ૫૦૦ નવી PCR (પોલીસ કંટ્રોલ રૂમ) વાન ફાળવવામાં આવી છે. આ પૈકી સુરત શહેરના નાગરિકોની સુખ, શાંતિ, સલામતી અને તાત્કાલિક સેવા અર્થે ૬૫ નવી PCR વાન સુરત શહેર પોલીસને અર્પણ કરવામાં આવી છે, જેને આજરોજથી જ શહેરના વિવિધ વિસ્તારમાં વિધિવત રીતે કાર્યરત કરી દેવામાં આવી છે.
આ પાવન પ્રસંગે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર, સેકટર-૧ના અધિક પોલીસ કમિશનરશ્રી બલરામ મીણા, સેકટર-૨ના અધિક પોલીસ કમિશનરશ્રી મહેન્દ્ર બગડીયા તથા અધિક પોલીસ કમિશનરશ્રી ડો. કરનરાજ વાઘેલા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નવી ફાળવવામાં આવેલી આ PCR વાહનોથી શહેરમાં પોલીસનું પેટ્રોલીંગ વધુ સઘન બનશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ વાહનો દ્વારા ઈમરજન્સી સમયે નાગરિકો સુધી ઝડપી મદદ પહોંચાડી શકાશે, જેનાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેમજ ગુનાખોરી પર અંકુશ મેળવવામાં મોટી મદદ મળશે.
તહેવારોના આ શુભ સમયે સુરત પોલીસ સતત નાગરિકોની સુરક્ષા અને સેવામાં સમર્પિત રહેવા માટે વચનબદ્ધ છે.



