ગુજરાત

લાજપોર સેન્ટ્રલ જેલમાં ૧૧ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન

લાજપોર સેન્ટ્રલ જેલમાં ૧૧ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન
૧૫૦ જેટલા બંદીવાનોએ આહુતિ અર્પણ કરી સકારાત્મક જીવન તરફ કદમ વહાવ્યા
સુરત : માનવ મનમાં સદ્બુદ્ધિ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરવાના ભગીરથ કાર્યના ભાગરૂપે આજે સુરતના સચિન સ્થિત લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા ૧૧ કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે જેલના લગભગ ૧૫૦ જેટલા અટકાયિતો (કેદીઓ)એ ઉત્સાહપૂર્વક ભાગ લઈ જીવનમાં નવો વળાંક લાવવાનો સંકલ્પ કર્યો હતો.
ગાયત્રી પરિવારના કાર્યકર્તા ટીમ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને પ્રેરણાદાયી સંગીતમય શૈલીમાં યજ્ઞનું વિધિવત સંચાલન કરવામાં આવ્યું હતું. યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય બંદીવાનોના આત્મબળમાં વધારો કરવો અને ભૂતકાળ ભૂલીને ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ માટે પ્રેરણા આપવાનો હતો. યજ્ઞ દરમિયાન એવો સંદેશ આપવામાં આવ્યો કે સંજોગો ગમે તેટલા વિપરીત હોય, મનુષ્ય પોતાના વિચારો અને શ્રેષ્ઠ કર્મોથી સન્માર્ગે ચાલી શકે છે.
આ કલ્યાણકારી કાર્યક્રમને સફળ બનાવવા માટે જેલ પ્રશાસનનો ખુબ સારો સહયોગ સાંપડ્યો હતો. જેલ ના પી.આઈ. શ્રી પી.ડી. હિહોરિયા સાહેબનું ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી મંત્ર અંકિત ઉપવસ્ત્ર ઓઢાડી તેમજ મિશનનું સાહિત્ય એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. યજ્ઞમાં ઉપસ્થિત તમામ બંદીવાનોમાં આત્મચિંતનની ટેવ પડે તે માટે તેમને મંત્ર લેખન પુસ્તિકા અને બોલપેન તેમજ યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય લિખિત પ્રેરણાદાયી સદસાહિત્ય એનાયત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં ગાયત્રી ચેતના કેન્દ્ર અને ઉપઝોન સુરતના શ્રી પુનાભાઈ પટેલ, શ્રી બિપીનભાઈ ત્રિવેદી, દાહોદ (લીમડી) ના સક્રિય કાર્યકર્તા શ્રી સરદારભાઈ લાભના તથા સમગ્ર ગાયત્રી ચેતના કેન્દ્ર, સુરત ની સક્રિય ટીમે પ્રશંસનીય જહેમત થી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button