સ્પોર્ટ્સ

ટેબલ ટેનિસના ભીષ્મપિતામહ નજમી કીનખાબવાલાએ ખેલ મહાકુંભ-૨૦૨૬માં રચ્યો ઇતિહાસ

ટેબલ ટેનિસના ભીષ્મપિતામહ નજમી કીનખાબવાલાએ ખેલ મહાકુંભ-૨૦૨૬માં રચ્યો ઇતિહાસ
૬૦ વર્ષથી વધુ વયજૂથમાં મેન્સ સિંગલ્સ અને ડબલ્સની ફાઇનલમાં પહોંચ્યા; ૫૦૦થી વધુ ટ્રોફી, મેડલ્સ અને ભેટો મેળવવાનો ગૌરવશાળી રેકોર્ડ
સુરત: કહેવત છે કે, “પાકા ઘડે કાંઠા ન ચડે”, પરંતુ રમતગમતમાં અનુભવ, મહેનત અને શીખવાની લગન હોય તો ઉંમર પણ સફળતાના માર્ગમાં અવરોધ બનતી નથી. આ વાત સુરતના અનુભવી ટેબલ ટેનિસ કોચ, સ્ટેટ, નેશનલ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતનાર નજમી કીનખાબવાલાએ ખેલ મહાકુંભ-૨૦૨૬માં પોતાની રમત દ્વારા સાબિત કરી છે.
સુરતમાં યોજાયેલી ખેલ મહાકુંભ-૨૦૨૬ની ટેબલ ટેનિસ સ્પર્ધામાં નજમી કીનખાબવાલાએ ૬૦ વર્ષથી વધુ વયજૂથમાં મેન્સ સિંગલ્સ અને મેન્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ સફળતા ઉંમરને માત્ર આંકડો માનતા રમતપ્રેમીઓ અને યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે.
નજમીભાઈની રમત પ્રત્યેની લગનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓ અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ ટ્રોફી, મેડલ્સ અને ભેટો મેળવી ચૂક્યા છે. છેલ્લા આઠ વર્ષમાં મેન્સ સિંગલ્સ, મેન્સ ડબલ્સ, મિક્સ્ડ ડબલ્સ અને ટીમ ઇવેન્ટ સહિત વિવિધ સ્પર્ધાઓમાં તેમણે કુલ ૧૦૨ મેડલ્સ જીત્યા છે. જેમાં ૬૪ ગોલ્ડ, ૨૮ સિલ્વર અને ૧૦ બ્રોન્ઝ મેડલ્સનો સમાવેશ થાય છે.
૧૯૭૫થી ટેબલ ટેનિસ ક્ષેત્રે અવિરત સેવા
નજમી કીનખાબવાલાનું યોગદાન માત્ર ખેલાડી તરીકે જ નહીં, પરંતુ કોચ અને સિલેક્ટર તરીકે પણ નોંધપાત્ર છે. તેઓ વર્ષ ૧૯૭૫થી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ટેબલ ટેનિસના કોચ અને સિલેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. હાલમાં પાલ વિસ્તારમાં આવેલી પોતાની એકેડમીમાં તેઓ દરરોજ છથી સાત કલાક સુધી ખેલાડીઓને તાલીમ આપે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નજમીભાઈએ ભારતનું પ્રતિનિધિત્વ કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. તેઓ અત્યાર સુધીમાં ૧૨ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ ચૂક્યા છે. વિદેશમાં રમતી વખતે તેઓ માત્ર સ્પર્ધામાં ભાગ લેતા નથી, પરંતુ અન્ય દેશોના ખેલાડીઓની રમતની શૈલી અને ટેકનિકનો અભ્યાસ પણ કરે છે, જેથી તેનો લાભ પોતાના ખેલાડીઓને આપી શકે.
‘હું હજુ પણ શીખી રહ્યો છું’ — નજમીભાઈની નમ્રતા
પોતાની રમત અને સફળતા વિશે પૂછવામાં આવતાં નજમીભાઈ અત્યંત નમ્રતાથી કહે છે, “હું હજુ પણ શીખી રહ્યો છું. હું હજુ સંપૂર્ણ નથી. વિદેશમાં રમીને ત્યાંના ખેલાડીઓની કળાનો અભ્યાસ કરું છું અને તેમાંથી જે શીખું છું તેનો લાભ મારા ખેલાડી ભાઈ-બહેનોને આપું છું.”
આ ઉંમરે પણ હંમેશાં ખુશમિજાજ રહેતા નજમીભાઈ પોતાની તંદુરસ્તીનું રહસ્ય સમજાવતાં કહે છે કે તેઓ ખાવામાં સંયમ રાખે છે અને દરરોજ છથી સાત કલાક કોચિંગ આપે છે. તેમના મતે, કોચિંગ આપવું એ જ તેમની પ્રેક્ટિસ અને કસરતનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.
તેઓ પોતાની એકેડમીમાં તાલીમ લેવા આવતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં કહે છે, “અભી તો મેં જવાન હું…” આ શબ્દો સાથે તેઓ પોતે પણ રમે છે, બીજાને પણ રમાડે છે અને સતત મેડલ્સ જીતતા રહે છે.
યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્રોત
નજમી કીનખાબવાલાનો સંદેશ સ્પષ્ટ છે: “Age is only a number.” એટલે કે, ઉંમર માત્ર એક આંકડો છે. તેમની દેશપ્રેમની ભાવના તેમના શબ્દોમાં વ્યક્ત થાય છે: “I love my country first. I am proud to be an Indian.”
રમતગમતને આખું જીવન સમર્પિત કરનાર નજમીભાઈએ પોતાની મહેનત, શિસ્ત, અનુભવ અને સતત શીખવાની વૃત્તિથી સાબિત કર્યું છે કે સફળતા મેળવવા માટે ઉંમર કરતાં જુસ્સો અને સમર્પણ વધુ મહત્ત્વનાં છે.
ખેલ મહાકુંભ-૨૦૨૬માં તેમની સિદ્ધિ માત્ર મેડલ જીતવાની ઘટના નથી, પરંતુ રમત પ્રત્યેની અખૂટ નિષ્ઠા અને જીવનભર યુવાન રહેતા જુસ્સાની પ્રેરણાદાયી ગાથા છે. તેમની આ સિદ્ધિ બદલ રમતગમતપ્રેમીઓ અને વિવિધ ક્ષેત્રના લોકોએ તેમને અભિનંદન પાઠવ્યાં છે.
નજમી કીનખાબવાલાની સફર દરેક યુવા ખેલાડીને એક જ સંદેશ આપે છે — શીખવાનું ક્યારેય બંધ ન કરો, મહેનત કરતાં રહો અને દેશનું નામ રોશન કરવા માટે હંમેશાં તૈયાર રહો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button