ગુજરાત
સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતના સંકલ્પોને સાકાર કરવા ‘હ્યુમન ઇન્ટેલિજન્સ’ અનિવાર્ય: ડૉ. પ્રીતિ અદાણી

- સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતના સંકલ્પોને સાકાર કરવા ‘હ્યુમન ઇન્ટેલિજન્સ’ અનિવાર્ય: ડૉ. પ્રીતિ અદાણી
- સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ મજબૂત બનાવવા ઉદ્યોગ અને શિક્ષણ જગત વચ્ચે ગાઢ ભાગીદારી જરૂરી: અદાણી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. પ્રીતિ અદાણી
- અમદાવાદ સ્થિત અદાણી યુનિવર્સિટીના કેમ્પસમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન, ઉત્પાદન અને પેકેજિંગના વિશેષ અભ્યાસક્રમો શરૂ થશે
- ટેકનોલોજીકલ પ્રગતિનું સાચું માપ મશીનોની બુદ્ધિમત્તા નહીં, પરંતુ ‘હ્યુમન ઇન્ટેલિજન્સ’ (માનવ બુદ્ધિ)ના કુશળ ઉપયોગમાં છે: ડૉ. પ્રીતિ અદાણી
- અમદાવાદ, ૨૪ ઓક્ટોબર ૨૦૨૬: અદાણી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. પ્રીતિ અદાણીએ ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા અને જરૂરી ટેલેન્ટ વિકસાવવા માટે ઉદ્યોગજગત અને શિક્ષણજગત વચ્ચે વધુ ગાઢ સહયોગ સ્થાપિત કરવા આહ્વાન કર્યું છે. તેઓ અદાણી યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘કોન્ક્લેવ ઓન હાર્ડવેર, ઇનોવેશન, પ્રોસેસિંગ એન્ડ સેમિકન્ડક્ટર ટેકનોલોજીસ’ (CHIPS) ૨૦૨૬માં સંબોધન કરી રહ્યા હતા, જે ઉદ્યોગ સંલગ્ન શિક્ષણ અને સંશોધન પર કેન્દ્રિત છે.
- તેમણે જણાવ્યું હતું કે, એક મજબૂત સેમિકન્ડક્ટર ઉદ્યોગના નિર્માણ માટે માત્ર અદ્યતન ઉત્પાદન સુવિધાઓ જ પૂરતી નથી, પરંતુ તેની સાથે જટિલ ટેકનોલોજીની ડિઝાઇન, વિકાસ અને સુધારણા કરી શકે તેવા સક્ષમ અને કુશળ લોકોની પણ તેટલી જ જરૂરિયાત છે.
- ડૉ. અદાણીએ ઉમેર્યું કે, “આપણી ટેકનોલોજીકલ પ્રગતિનો સાચો માપદંડ એ નથી કે આપણા મશીનો કેટલા બુદ્ધિશાળી (ઇન્ટેલિજન્ટ) છે, પરંતુ તે એ વાત પર નિર્ભર કરે છે કે આપણે એક બહેતર ભવિષ્યના નિર્માણ માટે માનવ બુદ્ધિનો કેટલો સમજદારીપૂર્વક વિકાસ અને ઉપયોગ કરીએ છીએ.”
- ભારતની સેમિકન્ડક્ટર ક્ષેત્રની આકાંક્ષાઓ માત્ર ફેબ્રિકેશન પૂરતી સીમિત નથી, પરંતુ ચિપ ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને પેકેજિંગમાં પણ વિશેષ કુશળતા પ્રાપ્ત કરવા સુધી વિસ્તરેલી છે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) આ દિશામાં વેગ આપી રહ્યું છે, જ્યારે ધોલેરા અને સાણંદ ખાતેના પ્રોજેક્ટ્સ આ સેક્ટરમાં ગુજરાતની ભૂમિકાને આગળ વધારી રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઝડપી વિકાસને કારણે તેને સપોર્ટ કરતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓ જેવી કે એડવાન્સ ચિપ્સ, ડેટા સેન્ટર્સ અને વિશ્વસનીય પાવર સપ્લાયની માંગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
- અદાણી યુનિવર્સિટી અમદાવાદ ખાતેના મલ્ટિડિસિપ્લિનરી ગ્લોબલ કેમ્પસમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને પેકેજિંગ ક્ષેત્રે ખાસ કૌશલ્ય વિકસાવવાનું આયોજન કરી રહી છે. સૂચિત પહેલોમાં યુવા એન્જિનિયરો માટે વિશિષ્ટ કાર્યક્રમો, ઉદ્યોગના વ્યાવસાયિકો માટે એક્ઝિક્યુટિવ એજ્યુકેશન અને ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સનો સમાવેશ થાય છે, જેમાં શિક્ષણ અને સંશોધનને ઉદ્યોગની વાસ્તવિક જરૂરિયાતો સાથે જોડવા વિશેષ ભાર મૂકવામાં આવશે.
- આ કોન્ક્લેવમાં ક્વાલકોમ (Qualcomm), એનએક્સપી સેમિકન્ડક્ટર્સ (NXP Semiconductors), માઇક્રોન ટેકનોલોજી (Micron Technology), સિનોપ્સિસ (Synopsys), સિરિલ અમરચંદ મંગળદાસ (Cyril Amarchand Mangaldas) અને ઇન્ફિનિયોન ટેકનોલોજીસ (Infineon Technologies) જેવી અગ્રણી વૈશ્વિક સંસ્થાઓના નિષ્ણાતોએ મુખ્ય વક્તવ્ય આપ્યા હતા. આ નિષ્ણાતો વાયરલેસ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર ડિઝાઇન, મેમરી અને સ્ટોરેજ, પાવર સિસ્ટમ્સ અને કાનૂની સેવાઓ જેવા વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓએ સમગ્ર સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં થઈ રહેલા વિકાસ અને ઊભી થઈ રહેલી નવી તકો અંગે ચર્ચા કરી હતી.આ દરમિયાન યોજાયેલી ત્રણ પેનલ ચર્ચામાં ઉદ્યોગની મુખ્ય પ્રાથમિકતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જેમાં “ભારતમાં સેમિકન્ડક્ટર ડિઝાઇનની આશાસ્પદ ક્ષિતિજો સત્રમાં સ્થાનિક સ્તરે ડિઝાઇન ક્ષમતાઓને કેવી રીતે વધુ સશક્ત બનાવી શકાય તે અંગે વિચારમંથન થયું હતું. તો સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સત્રની ચર્ચા ભારતની ટેકનોલોજીકલ સફરના નવા સોપાન અંતર્ગત ઉત્પાદન પ્રક્રિયા અને ટેકનોલોજીકલ વિકાસમાં તેની નિર્ણાયક ભૂમિકા પર કેન્દ્રિત હતી. ત્રીજા સત્રમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં કારકિર્દીની તકોમાં ઉભરી રહેલી નવી ભૂમિકાઓ, કૌશલ્યની જરૂરિયાતો અને કારકિર્દીના વિવિધ વિકલ્પો વિશે ચર્ચા કરવામાં આવી હતી.આ પરિસંવાદ આઇઆઇટી મંડી (IIT Mandi), વીએલએસઆઈ સોસાયટી ઓફ ઇન્ડિયા અને અગ્રણી લો ફર્મ સિરિલ અમરચંદ મંગળદાસના સંયુક્ત સહયોગથી આયોજિત CHIPS ૨૦૨૬માં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM), જાણીતા શિક્ષણવિદો અને ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.આ સંવાદોનો મુખ્ય ઉદ્દેશ્ય શૈક્ષણિક સંશોધન અને ટેકનિકલ શિક્ષણને સેમિકન્ડક્ટર ઉદ્યોગની વાસ્તવિક જરૂરિયાતોને અનુરૂપ બનાવવાનો હતો.



