આરોગ્ય

દોઢ વર્ષથી શ્વાસની તકલીફથી પીડાતા આઠ વર્ષના બાળકને સ્મિમેર હોસ્પિટલમાં સફળ સર્જરીથી મળ્યું નવજીવન

ટીબીના કારણે ફેફસાંની આસપાસ જામી ગયેલા પરુ અને પડને દૂર કરવા થોરાકોટોમી વિથ ડેકોર્ટિકેશન સર્જરી કરવામાં આવી

આયુષ્માન ભારત યોજના અંતર્ગત વિનામૂલ્યે જટિલ સર્જરી કરી સ્મિમેર હોસ્પિટલના તબીબોએ માનવતા અને તબીબી નિપુણતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
આઠ વર્ષના બાળકને સ્મિમેર હોસ્પિટલના તબીબોએ આપી નવી જિંદગી:
દોઢ વર્ષની શ્વાસની ગંભીર તકલીફમાંથી મળી મુક્તિ
ગંભીર બીમારી, સતત શ્વાસની તકલીફ અને પરિવારની નબળી આર્થિક પરિસ્થિતિ વચ્ચે જીવન સામે સંઘર્ષ કરી રહેલા ૮ વર્ષના બાળકને સુરતની સ્મિમેર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તબીબોએ સફળ સર્જરી દ્વારા નવજીવન આપ્યું છે. ક્ષયરોગ (ટીબી)ના કારણે ફેફસાંની આસપાસ લાંબા સમયથી પરુ જામી જવાની જટિલ સ્થિતિ સર્જાતાં બાળકને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી પડતી હતી. સર્જરી વિભાગ અને એનેસ્થેસિયા વિભાગની સંયુક્ત ટીમે પડકારજનક થોરાકોટોમી વિથ ડેકોર્ટિકેશન સર્જરી સફળતાપૂર્વક પાર પાડી બાળકને સ્વસ્થ બનાવી સર્જરીના સાતમા દિવસે હોસ્પિટલમાંથી રજા આપી હતી.
વધુ વિગતો જોઈએ તો ખટોદરા વિસ્તારમાં રહેતા આઠ વર્ષીય નક્ષ વિષ્ણુભાઈ બોરસેને આશરે દોઢ વર્ષ પહેલાં ટ્યુબરક્યુલસ એમ્પાયમાનું નિદાન થયું હતું. ત્યારથી તે સતત શ્વસન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. છેલ્લા છ મહિનામાં શ્વાસ લેવામાં તકલીફમાં વધારો, સતત ઉધરસ અને વજનમાં નોંધપાત્ર ઘટાડો થતાં બાળકની શારીરિક સ્થિતિ વધુ ગંભીર બની હતી. લાંબી સારવાર દરમિયાન તેને અનેક વખત હોસ્પિટલમાં દાખલ કરવો પડતો હતો અને ફેફસાંની આસપાસ જમા થયેલા પરુને દૂર કરવા માટેની સારવાર કરવામાં આવી હતી. જોકે, તેમ છતાં બાળકની તબિયતમાં અપેક્ષિત સુધારો થયો નહોતો.
આગળની તપાસ દરમિયાન કરવામાં આવેલા સીટી થોરેક્સમાં નેક્રોટાઇઝિંગ ન્યુમોનિયા અને પ્લ્યુરાની નોંધપાત્ર જાડાઈ જોવા મળી હતી. આ જટિલ સ્થિતિને કારણે ફેફસાંની આસપાસ જામેલા પડ અને પરુને દૂર કરવા મોટી સર્જરી જરૂરી બની હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પરિવારને મુંબઈ સહિતનાં ઉચ્ચ કક્ષાનાં તબીબી કેન્દ્રોમાં સારવાર કરાવવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ પરિવારની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે ત્યાં સારવાર કરાવવી મુશ્કેલ હતી. પરિણામે પરિવાર ભારે ચિંતા અને મુશ્કેલીમાં મુકાયો હતો.
આવી પરિસ્થિતિમાં નક્ષને તા.૨૨/૧૦/૨૦૨૬ના રોજ સ્મિમેર હોસ્પિટલમાં દાલખ કરવામાં આવ્યો. જયાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સર્જરી વિભાગના પ્રોફેસર ડો.દિનેશ પ્રસાદ પાસે રેફર કરવામાં આવ્યો હતો. બાળકની ગંભીર સ્થિતિ અને પરિવારની આર્થિક મર્યાદાઓને ધ્યાનમાં રાખીને તબીબી ટીમે આ પડકારજનક કેસની જવાબદારી સ્વીકારી હતી.
સર્જરીના ડો. દિનેશ પ્રસાદની આગેવાની હેઠળ ડો.ઋષભ મેસુરિયા,ડો. રીચા મિસ્ત્રી, ડો. પાર્થ પટેલ, ડો. મોહિત પટેલ, ડો. દીપ ભુવાની ટીમે સફળ સર્જરી કરી હતી. તેમની સાથે એનેસ્થેસિયા વિભાગની ટીમ ડો.બીના, ડો. નીપા, ડો. ભૂમિકા, ડો. રેશમા, ડો.યશ, ડો.લીશા, ડો. જય, ડો.ભાવિકા ટીમે પ્રિ-ઓપરેટિવ, ઇન્ટ્રા-ઓપરેટિવ અને પોસ્ટ-ઓપરેટિવ તબક્કામાં સંકલન અને સમર્પણ સાથે કામગીરી કરી હતી. સર્જરી બાદ બાળકને સઘન દેખરેખ, જરૂરી શ્વસન સહાય અને યોગ્ય તબીબી સારવાર આપવામાં આવી હતી.
તબીબો અને સમગ્ર નર્સિંગ ટીમની નિષ્ઠાપૂર્વકની સારવાર તથા સતત મોનિટરિંગના પરિણામે બાળકની તબિયતમાં સંતોષકારક સુધારો જોવા મળ્યો હતો. અંતે તા.૨/૧૧/૨૦૨૬ના રોજ નક્ષને સ્વસ્થ સ્થિતિમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
લાંબા સમયથી પોતાના બાળકને શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા જોઈ રહેલા પરિવાર માટે આ સફળ સર્જરી રાહત અને આનંદનો અવસર બની હતી. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પોતાના બાળકની ઉચ્ચ કક્ષાની સારવાર શક્ય બનતાં પરિવારે SMIMER હોસ્પિટલના તબીબો અને સમગ્ર આરોગ્ય ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
સમગ્ર સારવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY – આયુષ્માન ભારત) અંતર્ગત કરવામાં આવી હતી. જેના કારણે આર્થિક રીતે નબળા પરિવારને મોંઘી અને જટિલ સર્જરીનો ખર્ચ ઉઠાવ્યા વિના બાળકની જરૂરી સારવાર ઉપલબ્ધ થઈ શકી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button