ગુજરાત

પાંડેસરા ખાતે CETP ની મુલાકાત લેતાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા

પાંડેસરા ખાતે CETP ની મુલાકાત લેતાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા
વન અને પર્યાવરણ મંત્રીએ પાંડેસરા ઇન્ડસ્ટ્રિયલ એસોસિયેશનના આગેવાનો સાથે બેઠક યોજી ઉદ્યોગ, ટેક્સટાઇલ અને રિસાયકલ ઇન્ડસ્ટ્રીના વિકાસ અંગે કરી ચર્ચા
સુરત : વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પાંડેસરા સ્થિત કોમન ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP)ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે CETPની કામગીરી, ગંદા પાણીના શુદ્ધિકરણ માટે અપનાવવામાં આવતી વ્યવસ્થાઓ તેમજ પર્યાવરણ સંરક્ષણ માટે થઈ રહેલા પ્રયાસોની સમીક્ષા કરી હતી.
મંત્રીશ્રીએ પાંડેસરા ઇન્ડસ્ટ્રિયલ એસોસિયેશનના આગેવાનો સાથે બેઠક યોજી ટેક્સટાઇલ ઉદ્યોગ, રિસાયકલ ઇન્ડસ્ટ્રી, પર્યાવરણલક્ષી ટેકનોલોજી, વેસ્ટ મેનેજમેન્ટ અને ઉદ્યોગોના સર્વાંગી વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ઉદ્યોગકારોએ તેમના પ્રશ્નો, સૂચનો અને રજૂઆતો મંત્રીશ્રી સમક્ષ રજૂ કરી હતી.
આ પ્રસંગે મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત-૨૦૪૭ના વિઝનને સાકાર કરવામાં ગુજરાત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ટેકનોલોજી, નવીનતા અને ઉચ્ચ મૂલ્યવર્ધિત ઉત્પાદનના ક્ષેત્રોમાં ગુજરાત દેશને નવી દિશા આપી રહ્યું છે. ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, દેશમાં સ્થાપિત થઈ રહેલા ૧૨ સેમિકન્ડક્ટર પ્લાન્ટમાંથી ૬ પ્લાન્ટ ગુજરાતમાં આવી રહ્યા છે, જે રાજ્યને વૈશ્વિક સ્તરે ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સુરત અને દક્ષિણ ગુજરાતનો ટેક્સટાઇલ ઉદ્યોગ દેશની અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે. ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ સાથે પર્યાવરણની જાળવણી પણ એટલી જ જરૂરી છે. CETP જેવી સંસ્થાઓ ઉદ્યોગોના ટકાઉ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, રિસાયકલ ઇન્ડસ્ટ્રી અને સર્ક્યુલર ઇકોનોમી આવનારા સમયની જરૂરિયાત છે. કચરામાંથી સંપત્તિનું સર્જન, પાણીનો પુનઃઉપયોગ અને સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ દ્વારા પર્યાવરણનું સંરક્ષણ અને આર્થિક વિકાસ બંને હાંસલ કરી શકાય છે. ઉદ્યોગો દ્વારા ગ્રીન ટેક્નોલોજીની પ્રક્રિયા અપનાવવામાં આવશે તો વિકસિત ભારત–૨૦૪૭ના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવામાં વધુ ગતિ મળશે.
બેઠક દરમિયાન ઉદ્યોગોના વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવા, સ્વચ્છ ઉત્પાદન પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા અને રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને આપવામાં આવતી વિવિધ સુવિધાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ, CETPના પ્રતિનિધિઓ, પાંડેસરા ઇન્ડસ્ટ્રિયલ એસોસિયેશનના આગેવાનો સહિતના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button