ગુજરાત

માત્ર દોઢ દિવસનું શાળાશિક્ષણ મેળવનારા લોકકવિ અણ્ણા ભાઉ સાઠે બન્યા જનજાગૃતિના અમર નાયક

માત્ર દોઢ દિવસનું શાળાશિક્ષણ મેળવનારા લોકકવિ અણ્ણા ભાઉ સાઠે બન્યા જનજાગૃતિના અમર નાયક

સુરત : વિશ્વ શાંતિદૂત મહાબોધિ બુદ્ધ વિહાર, શાંતિનગર (નીલગીરી) ખાતે લોકકવિ અણ્ણા ભાઉ સાઠેની ૧૦૬મી જન્મજયંતિ શ્રદ્ધા, સન્માન અને સામાજિક જાગૃતિના વાતાવરણમાં ઉજવાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત ભક્તજનોએ અણ્ણા ભાઉ સાઠેના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના સાહિત્યિક, સામાજિક અને માનવતાવાદી યોગદાનને ભાવપૂર્વક યાદ કર્યું. કાર્યક્રમના આયોજક તથા વિશ્વ શાંતિદૂત મહાબોધિ બુદ્ધ વિહારના સ્થાપક-અધ્યક્ષ, દર્દી સેવા સમિતિ તેમજ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (એ)ના ગુજરાત પ્રદેશ મહામંત્રી સુભાષ પી. ઝાડેએ જણાવ્યું હતું કે, માત્ર દોઢ દિવસનું ઔપચારિક શાળાશિક્ષણ પ્રાપ્ત હોવા છતાં અણ્ણા ભાઉ સાઠેએ પોતાની અસાધારણ પ્રતિભા, સંઘર્ષમય જીવન અને જનસામાન્યના પ્રશ્નોને સ્પર્શતા સાહિત્યના બળે સમગ્ર દેશમાં આગવી ઓળખ ઉભી કરી હતી. તેમની પ્રેરણાદાયી પંક્તિ “જગ બદલ ઘાલૂની ઘાવ, અસે સાંગૂન ગેલે મલા ભીમરાવ” આજે પણ સામાજિક સમાનતા અને ન્યાય માટે સંઘર્ષ કરતા લોકોને નવી પ્રેરણા આપે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અણ્ણા ભાઉ સાઠેએ પોતાના ગીતો, કાવ્યો અને લોકસાહિત્ય દ્વારા શોષિત, વંચિત અને શ્રમિક વર્ગના જીવનસંઘર્ષને વાચા આપી હતી. તેમનું સાહિત્ય માનવતા, સમાનતા, શિક્ષણ, સંગઠન અને સામાજિક પરિવર્તનનો સશક્ત સંદેશ આપે છે, જે આજના સમયમાં પણ એટલો જ પ્રાસંગિક છે. કાર્યક્રમમાં ધમ્મ સેવક ભાસ્કર વાનખેડે, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (એ)ના સુરત શહેર કાર્યકારી અધ્યક્ષ દિલીપ શિરસાઠ, મહિલા અધ્યક્ષ આશાબાઈ મંગલે, ઉપાસક-ઉપાસિકા સંઘના લતાતાઈ ધુરંધર, રંજનાતાઈ સોનવણે, સરસ્વતી ડોંગરે, મીના સોનવણે, જ્યોતિ નિકાળજે, કુસુમ વાનખેડે, રેવાતાઈ વારડે, છાયાતાઈ કોકણે તેમજ રાજુ વાકોડે, સંજય વાઘ, પ્રભાકર નિકાળજે, સુનીલ તંતરપાડે સહિત મોટી સંખ્યામાં ઉપાસકો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. જન્મજયંતિના અવસરે આયુષ્મતી સંગીતા ધુરંધરે મહાબોધિ બુદ્ધ વિહારને ક્રોમ્પ્ટન કંપનીના બે પંખા દાનમાં અર્પણ કર્યા હતા. તેમના આ સેવાકાર્ય બદલ વિહારના ઉપાધ્યક્ષ શ્રીકૃષ્ણ વાનખેડે, ઉપાસક સંઘ અને ધમ્મ ઉપાસિકા સંઘ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે લોકકવિ અણ્ણા ભાઉ સાઠેના સમતામૂલક, માનવતાવાદી અને પ્રબોધનકારી વિચારોને જનજન સુધી પહોંચાડવા તેમજ સામાજિક સમરસતા, શિક્ષણ અને જનજાગૃતિનો સંદેશ વધુ વ્યાપક બનાવવા સર્વે ઉપસ્થિતોએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button