ગણેશોત્સવની ઉજવણી સાથે સ્વાસ્થ્યની પણ કાળજી

ગણેશોત્સવની ઉજવણી સાથે સ્વાસ્થ્યની પણ કાળજી
સુરતના ગણેશ પંડાલોમાં મચ્છરજન્ય રોગો અટકાવવા વિશેષ જાગૃતિ અભિયાન
સુરત : ગણેશોત્સવના પાવન પર્વે સમગ્ર સુરત નગરી ભક્તિના રંગે રંગાઈ છે, ત્યારે ગણેશોત્સવની ઉત્સાહભેર ઉજવણીની સાથે નાગરિકોના સ્વાસ્થ્યની કાળજી એટલી જ જાળવાય તે હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તા.૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર સુધી ચાલી રહેલા વિશેષ ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે આ તહેવારના માહોલમાં લોકોની ભીડભાડ વચ્ચે સ્વાસ્થ્ય જળવાઈ રહે અને રોગચાળો ફેલાતો અટકે તે માટે શહેરના વિવિધ ગણેશ પંડાલો ખાતે IEC (ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન) ના માધ્યમથી વિશેષ સેમિનારો અને જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.
આ કાર્યક્રમોમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો કેવી રીતે ફેલાય છે, તેનાથી બચવા માટે સાવચેતીઓ રાખવી તેમજ આસપાસના વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવને અટકાવવા અને નિવારણ પગલાંઓની વિગતવાર અને ઉપયોગી માહિતી નાગરિકોને આપવામાં આવી હતી. તહેવારોના ઉત્સાહમાં ક્યાંય પાણીનો ભરાવો ન થાય અને મચ્છરોના બ્રિડિંગ સ્પોટ્સ નાશ પામે તે અંગે પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
ઉપસ્થિત નાગરિકોને મચ્છરજન્ય રોગોના કારણો અને બચાવના ઉપાયોથી માહિતગાર કરી સ્વચ્છતા જાળવવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. “સ્વચ્છતા જાળવો અને પાણીનો ભરાવો અટકાવો” ના સંદેશ સાથે “તહેવાર ઉજવો, સ્વાસ્થ્ય સાચવો” નો મંત્ર આપીને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરાઈ હતી. સ્વચ્છ સુરત અને સુરક્ષિત સુરતના સંકલ્પને સાર્થક કરવાના અભિયાનને સ્થાનિકો, ગણેશ ભક્તોએ ઉત્સાહભેર જોડાયા હતા.



