શિનોર મામલતદારે સતત સાતમા સેવા સેતુ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુક્યો

શિનોર મામલતદારે સતત સાતમા સેવા સેતુ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુક્યો
આધારકાર્ડ તથા, ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા અને પેન્શનરોના કામો આ સેવાસેતું કાર્યક્રમમાં થયા નથી

શિનોર તાલુકાના બીથલી પ્રાથમિક શાળામાં આજરોજ છ ગામો બીથલી, દરિયાપુરા,બરકાલ ,મોલ્લેથા , મોટા કરાડા અને નાના કરાડા ગામોના લાભાર્થીઓના સ્થળ પર નિકાલ માટેના સરકારની 53 વિવિધ યોજના ના કામો માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
મામલતદાર મુકેશભાઈ જે. બારીયા, ઇન્ચાર્જ સીડીપીઓ ચેતનાબેન પટેલ,તથા શાળાના આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. છ ગામોના લાભાર્થીઓ, મામલતદાર કચેરી નો સ્ટાફ, આરોગ્ય વિભાગ નો સ્ટાફ તથા સંલગ્ન સ્ટાફ, પશુપાલન સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા. રેશનકાર્ડ ને લગતી તમામ કામગીરી, ઈ-કેવાયસી સ્થળ પર કરવામાં આવી હતી જેનાથી લાભાર્થીઓમાં આનંદ વ્યાપ્યો હતો. મેડિકલ ઓફિસર રોનક પટેલ ની હાજરીમાં આરોગ્યના સ્ટાફ દ્વારા આરોગ્યની તમામ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. જે લાભાર્થીઓના કામો થયા તે લોકોએ આ કેમ્પની સેવાથી સંતોષ વ્યક્ત કર્યો હતો. સંજોગો વસાત નિવૃત્ત પેન્શનરો ના કામો તથા ચૂંટણી કાર્ડના વિવિધ કામો અને આધારકાર્ડમાં સુધારા વધારા ના કામો આ કેમ્પમાં થઈ શક્યા નહોતા. અને શિનોર કચેરી મુકામે આવવા લાભાર્થીઓને જણાવવામાં આવ્યું હતું. સેવા સંકલ્પ અભિયાનમાં જોડાયેલા ભાજપના કે અન્ય કોઈ ચૂંટાયેલા નેતાઓ હાજર રહ્યા નહોતા. મામલતદાર એમ.જે. બારીયાએ આરોગ્ય વિભાગ પાસે પોતાની તપાસ કરાવી હતી. અને આરોગ્યની સેવાથી પ્રભાવિત થયા હતા.
શિનોર તાલુકાનો છેલ્લો આઠમો સેવાસેતુ કાર્યક્રમ તારીખ 7 ઓક્ટોબર 2026 પુનિયાદ પ્રાથમિક શાળામાં પુનિયાદ, દામનગર, વણીયાદ, સાંધા અને છાણભોઈ ગામોનો યોજાશે, જેનો લાભ લેવા જણાવવામાં આવે છે.



