સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ-૧ અને ૨ દ્વારા વ્યાપક સ્વચ્છતા અભિયાન

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ-૧ અને ૨ દ્વારા વ્યાપક સ્વચ્છતા અભિયાન
અધિકારી-કર્મચારીઓએ શ્રમદાન કરી ‘સ્વચ્છતા એ સૌની સહિયારી જવાબદારી’નો આપ્યો સંદેશ
સુરત: રાજ્ય સરકાર દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બરથી તા.૧૭ ઓક્ટોબર સુધી યોજાઈ રહેલા વિશેષ ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સુરત જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ-૧ તથા વિભાગ-૨ દ્વારા વિવિધ સ્થળોએ વ્યાપક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
માર્ગ અને મકાન વિભાગ-૧ના કાર્યપાલક ઈજનેરશ્રી નિલેશ પટેલ તથા માર્ગ અને મકાન વિભાગ-૨ના કાર્યપાલક ઈજનેરશ્રી પ્રશાંત બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિભાગના અધિકારી-કર્મચારીઓ, કોન્ટ્રાકટરો દ્વારા શહેરના અઠવાગેટથી બહુમાળી રોડ, ડચ ગાર્ડન મકાઈપુલ સુધી સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓલપાડ, માંગરોળ, કામરેજ અને માંડવી તાલુકાઓમાં વિવિધ સરકારી કચેરીઓ, પરિસરો તથા શહેર- જિલ્લાના સર્કિટ હાઉસો સહિતના સરકારી મકાનોમાં સાફ-સફાઈ તથા વાહનોના કંડમની કામગીરી કરવામાં આવી હતી. અધિકારી-કર્મચારીઓએ સ્વયં શ્રમદાન કરીને પરિસરોમાંથી કચરો દૂર કરી સ્વચ્છ અને સુઘડ વાતાવરણ જાળવવા માટે કામગીરી કરી હતી.
સ્વચ્છતા અભિયાન દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની ‘સ્વચ્છતા એ માત્ર અભિયાન નહીં, પરંતુ સૌની સહિયારી જવાબદારી છે’ એવો સંદેશ આપ્યો હતો. સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ કેળવવા તેમજ જાહેર સ્થળો અને સરકારી પરિસરોને સ્વચ્છ રાખવાની ભાવનાને વધુ પ્રબળ બનાવવા માટે સૌએ સંકલ્પબદ્ધ બનવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો.



