દેશ

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતનો ડંકો

દેશના સ્વચ્છ શહેરોની યાદીમાં બીજું સ્થાન મેળવ્યું

નવી મુંબઈ પ્રથમ ક્રમે, સુરત બીજા અને વિજયવાડા ત્રીજા સ્થાને; 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ગ્રેટર વિશાખાપટ્ટનમ અવ્વલ
નવી દિલ્હી : દેશભરના શહેરોમાં સ્વચ્છતાના સ્તરને પ્રોત્સાહન આપવા માટે યોજાતા સ્વચ્છ સર્વેક્ષણ 2025-26ના એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ સર્વેક્ષણમાં ગુજરાતના સુરત શહેરે ફરી એકવાર સ્વચ્છતાના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી છે. સ્વચ્છ શહેર લીગ કેટેગરીમાં નવી મુંબઈએ પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે સુરત બીજા અને વિજયવાડા ત્રીજા ક્રમે રહ્યું છે. સુરતની આ સિદ્ધિથી શહેરની સ્વચ્છતા વ્યવસ્થા અને નાગરિકોની જાગૃતિને રાષ્ટ્રીય સ્તરે વધુ એક વખત બિરદાવવામાં આવી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા બુધવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ 2025-26ની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વચ્છતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા વિવિધ શહેરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા સર્વેક્ષણનું આ દસમું સંસ્કરણ હતું. આ વર્ષની થીમ ‘સ્વચ્છતાની નવી પહેલ – વધારીએ હાથ, કરીએ સફાઈ સાથે’ રાખવામાં આવી હતી.
10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં ગ્રેટર વિશાખાપટ્ટનમે પ્રથમ સ્થાન મેળવ્યું છે. મધ્યપ્રદેશના જબલપુરે બીજું સ્થાન મેળવ્યું છે, જ્યારે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌ ત્રીજા ક્રમે રહી છે.
દરિયાકાંઠાના શહેરોમાં પુરી પ્રથમ
દરિયાકાંઠાના શહેરોની કેટેગરીમાં ઓડિશાનું પુરી પ્રથમ ક્રમે રહ્યું છે. જગન્નાથ યાત્રા માટે વિશ્વવિખ્યાત પુરીએ સ્વચ્છતાના ક્ષેત્રમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આ કેટેગરીમાં કેરળના અલપ્પુઝાએ બીજું અને મહારાષ્ટ્રના રત્નાગિરીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે.
નદી કિનારાના શહેરોમાં રીવા અવ્વલ
નદી કિનારે આવેલા શહેરોની કેટેગરીમાં મધ્યપ્રદેશના રીવા શહેરે પ્રથમ સ્થાન મેળવીને બાજી મારી છે. છત્તીસગઢના બિલાસપુરે બીજું સ્થાન મેળવ્યું છે, જ્યારે ઉત્તરપ્રદેશનું વારાણસી ત્રીજા ક્રમે રહ્યું છે. આ કેટેગરીમાં માત્ર નદી કિનારાના વિસ્તારો જ નહીં, પરંતુ સમગ્ર શહેરની સ્વચ્છતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
હિમાલયની તળેટીનાં શહેરોમાં રુદ્રપુર પ્રથમ
હિમાલયની તળેટીમાં આવેલા શહેરોની કેટેગરીમાં રુદ્રપુરે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે જમ્મુ બીજા ક્રમે રહ્યું છે. આ બંને શહેરોમાં પ્રવાસીઓની અવરજવર વધુ રહેતી હોવા છતાં સ્વચ્છતા જાળવવા માટે સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016માં સ્વચ્છ સર્વેક્ષણની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં માત્ર 73 શહેરી વિસ્તારો આ સર્વેક્ષણમાં ભાગ લેતા હતા, જ્યારે હાલના સર્વેક્ષણમાં દેશનાં કુલ 4,751 શહેરોએ ભાગ લીધો હતો. સર્વેક્ષણમાં શહેરોની સફાઈ વ્યવસ્થા, કચરાના વ્યવસ્થાપન, જાહેર સ્થળોની સ્વચ્છતા સહિતના વિવિધ માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ ઉપરાંત નાગરિકોના અભિપ્રાયને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે.
સ્વચ્છ સર્વેક્ષણમાં સુરતનું બીજું સ્થાન મેળવવું ગુજરાત માટે ગૌરવની બાબત છે. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહાનગરપાલિકા તંત્રની કામગીરીની સાથે નાગરિકોની સહભાગિતા પણ એટલી જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button