એસપીબી કોલેજમાં ઇન્ટર ક્લાસ વર્ષાગીત સ્પર્ધા યોજાઈ

એસપીબી કોલેજમાં ઇન્ટર ક્લાસ વર્ષાગીત સ્પર્ધા યોજાઈ
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લીશ મીડીયમ કોલેજ ઓફ કોમર્સ, સુરતની કલ્ચર કમિટી દ્વારા તા. ૦૭/૦૮/૨૦૨૬ના રોજ કોલેજ કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓમાં રહેલી સંગીત પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે ઇન્ટર ક્લાસ વર્ષાગીત ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ષાઋતુની રમણીયતા અને સંગીતના સુમેળને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિવિધ વર્ષાગીતોની સુંદર રજૂઆત કરી હતી. સ્પર્ધકોએ પોતાની મધુર ગાયકી, સ્વર, તાલ, લય અને આત્મવિશ્વાસપૂર્ણ રજૂઆત દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. સ્પર્ધામાં વિવિધ વર્ગોના કુલ ૧૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ. રવિ પટેલ અને પ્રા. પૂજા ઉચડિયા ઉપસ્થિત રહ્યા હતા. નિર્ણાયકો દ્વારા સ્પર્ધકોની ગાયકી, સ્વરની શુદ્ધતા, તાલ-લય, રજૂઆતની શૈલી તથા એકંદર પ્રસ્તુતિના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
સ્પર્ધાના પરિણામોમાં એફવાય બી.કૉમની વિદ્યાર્થીની અન્વેષા સુનિલ શર્માએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એસવાય બી.કૉમની વિદ્યાર્થીની અનન્યા દેવાંગભાઈ દેસાઈએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું, જ્યારે એસવાય બી.કૉમની વિદ્યાર્થીની માનસી સંદીપભાઈ બોર્સેએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
વિજેતા વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટ ગાયન પ્રતિભા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે સાથે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારીને પણ બિરદાવવામાં આવી હતી. આવા સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓને પોતાની કલાત્મક અને સર્જનાત્મક પ્રતિભા રજૂ કરવા માટે યોગ્ય મંચ પૂરો પાડે છે તેમજ તેમના આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે.
સમગ્ર કાર્યક્રમનું આયોજન ઇનચાર્જ આચાર્ય ડૉ. આશિષ પંડ્યાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કમિટીના ચેરપર્સન ડૉ. સવિતા સોંધી અને સભ્ય પ્રા. રાધિકા ચાવડાના સંકલનથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.



