દિવાળીની રાત્રે ફટાકડાની આતશબાજીથી સુરતમાં આગની વણઝાર, 150 જેટલા ફાયર કોલ નોંધાય
દિવાળીની રાત્રે ફટાકડાની આતશબાજીથી સુરતમાં આગની વણઝાર, 150 જેટલા ફાયર કોલ નોંધાયા

સુરતમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી હતી. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રોકેટ અને ફટાકડાના તણખા રહેણાંક મકાનોની બાલ્કની, ખુલ્લા પ્લોટ અને કચરાના ઢગલામાં પડતાં આગ ભભૂકી ઊઠી હતી. સમગ્ર રાત દરમિયાન ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં સતત કોલ આવતા રહ્યા હતા. એક જ રાતમાં અંદાજે 150 જેટલા ફાયર કોલ નોંધાતા ફાયર વિભાગની ટીમો દોડતી થઈ ગઈ હતી.
બાલ્કની અને કચરાના ઢગલામાં આગની વધુ ઘટનાઓ
દિવાળીની આતશબાજી દરમિયાન સૌથી વધુ આગના બનાવો રહેણાંક સોસાયટીઓ, ઊંચી ઇમારતોની બાલ્કનીઓ અને ખુલ્લા પ્લોટમાં બન્યા હતા. ફટાકડામાંથી નીકળતા તણખા અને રોકેટ બિલ્ડિંગની બાલ્કનીમાં રાખેલા સામાન તેમજ સૂકા કચરા પર પડતાં આગ લાગી હતી. કેટલીક જગ્યાએ આગ સાથે ધુમાડાના ગોટેગોટા ફેલાતા સ્થાનિક રહીશોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
150 કોલથી ફાયર વિભાગ પર વધ્યું કામનું ભારણ
એક જ રાતમાં મોટી સંખ્યામાં ફાયર કોલ મળતાં ફાયર વિભાગ પર ભારે દબાણ ઊભું થયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં એકસાથે આગ લાગવાની ઘટનાઓ બનતાં ફાયર ટીમોને તમામ સ્થળોએ સમયસર પહોંચવામાં મુશ્કેલી પડી હતી. કેટલીક જગ્યાએ ફાયર ફાઈટરો પહોંચે તે પહેલાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારબાદ જવાનોએ લાંબા સમય સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા કામગીરી કરી હતી.
ફાયર જવાનો આખી રાત રહ્યા દોડતા, મોટી જાનહાનિ ટળી
આગના બનાવોને પગલે શહેરનાં તમામ ફાયર સ્ટેશનોના જવાનો આખી રાત સતત કામગીરીમાં જોડાયેલા રહ્યા હતા. એક પછી એક મળતા કોલના પગલે ફાયર વિભાગની ટીમોએ વિવિધ વિસ્તારોમાં પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આટલી મોટી સંખ્યામાં આગની ઘટનાઓ છતાં સદનસીબે કોઈ જાનહાનિ કે ગંભીર ઇજા નોંધાઈ નહોતી. બીજી તરફ, કેટલીક જગ્યાએ ઘરવખરી અને અન્ય સામાન બળીને ખાખ થતાં મિલકતને મોટું નુકસાન થયું હતું.



