ગુજરાત

નિલેશ માંડલેવાલાને ‘હીરોઝ ઓફ ચેન્જ એવોર્ડ ૨૦૨૬’થી સન્માનિત કરાયા

નિલેશ માંડલેવાલાને ‘હીરોઝ ઓફ ચેન્જ એવોર્ડ ૨૦૨૬’થી સન્માનિત કરાયા

રિપબ્લિક મીડિયા નેટવર્ક દ્વારા ‘ધ પબ્લિક હેલ્થ પાયોનિયર’ કેટેગરીમાં મળ્યું સન્માન; અંગદાન ક્ષેત્રે ગુજરાતનું નામ દેશ-વિદેશમાં રોશન કર્યું
સુરત: ગુજરાતમાં કેડેવર અંગદાનની ચળવળનો પાયો નાખનાર, ડોનેટ લાઈફના સ્થાપક અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત નિલેશ માંડલેવાલાને રિપબ્લિક મીડિયા નેટવર્ક દ્વારા પ્રતિષ્ઠિત ‘હીરોઝ ઓફ ચેન્જ એવોર્ડ ૨૦૨૬’થી સન્માનિત કરવામાં આવ્યા છે. ૩૦ ઓક્ટોબરના રોજ ઉત્તર પ્રદેશના નોઈડા ખાતે રિપબ્લિક મીડિયા નેટવર્કના હેડક્વાર્ટરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં તેમને ‘ધ પબ્લિક હેલ્થ પાયોનિયર’ કેટેગરીમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પદ્મવિભૂષણ અને રાજ્યસભાનાં પૂર્વ સાંસદ ડો. સોનલ માનસિંહના હસ્તે તેમને આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.

  • પિતાની વેદનામાંથી શરૂ થઈ જીવન બચાવવાની સફર
    નિલેશ માંડલેવાલાની અંગદાન ક્ષેત્રે સેવા પાછળ એક હૃદયસ્પર્શી કહાની છે. વર્ષ ૧૯૯૭માં તેમના પિતાની કિડની ફેલ થઈ હતી અને ૨૦૦૪થી તેમને અઠવાડિયામાં બે વખત ડાયાલિસિસ કરાવવું પડતું હતું. પિતાની શારીરિક, માનસિક અને આર્થિક પીડાને નજીકથી અનુભવ્યા બાદ નિલેશભાઈએ વર્ષ ૨૦૦૫માં પોતાના દુઃખને સમાજસેવાના સંકલ્પમાં પરિવર્તિત કર્યું અને ગુજરાતમાં કેડેવર અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાની શરૂઆત કરી. આજે આ અભિયાન હજારો લોકો માટે જીવનદાનનું માધ્યમ બન્યું છે.
  • અજ્ઞાનતા અને અંધશ્રદ્ધા સામે જાગૃતિની લડત
    અંગદાનની શરૂઆતના સમયમાં બ્રેઈન ડેથ અંગે લોકોમાં ભારે અજ્ઞાનતા અને ગેરમાન્યતાઓ હતી. કોમા, બ્રેઈન ડેથ અને કાર્ડિયાક ડેથ વચ્ચેનો તફાવત સમજાવવાથી લઈને અંગદાન અંગેની માનસિકતા બદલવા સુધી તેમણે સતત પ્રયાસો કર્યા.
    બ્રેઈન ડેડ જાહેર થયેલા સ્વજનના અંગદાન માટે શોકગ્રસ્ત પરિવારોને સમજાવવું સૌથી પડકારજનક કાર્ય હતું. તેમ છતાં નિલેશભાઈએ સંવેદનશીલતા અને ધીરજ સાથે પરિવારોનો વિશ્વાસ જીત્યો. ICUના કોરિડોરમાં કલાકો સુધી રાહ જોઈ, પરિવારોની લાગણીઓને સમજી અને અંતિમ વિધિ સુધી તેમની સાથે રહીને તેમણે અંગદાનની ચળવળને નવી દિશા આપી.
    આ કાર્ય માટે તેમણે પોતાના પરિવારના અનેક ખુશીના પ્રસંગો અને તહેવારોનો પણ ત્યાગ કર્યો. દક્ષિણ ગુજરાતના દૂરના વિસ્તારોમાં પણ કોઈપણ સમયે પહોંચી જઈ અંગદાન માટે સેવાકાર્ય કરવાનું તેમણે પોતાનું જીવનધ્યેય બનાવ્યું.
  • અંગદાન ક્ષેત્રે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ
    નિલેશ માંડલેવાલાના નેતૃત્વ હેઠળ ડોનેટ લાઈફે ગુજરાત અને દેશમાં અંગદાન ક્ષેત્રે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે.
    ૨૦૦૬: ગુજરાતનું પ્રથમ ઇન્ટર-સિટી કિડની દાન, પ્રથમ લીવર દાન અને ૪.૫ વર્ષના બાળકનું કિડની દાન.
    ૨૦૦૮: સુરતની એક જ હોસ્પિટલમાંથી એક જ દિવસમાં ચાર કિડનીનું દાન.
    ૨૦૧૫: ગુજરાતનું પ્રથમ હૃદયદાન.
    ૨૦૧૬: ગુજરાતનું પ્રથમ હાડકાનું દાન.
    ૨૦૧૭: સુરત સિવિલ હોસ્પિટલમાંથી પ્રથમ અંગદાન અને ૧૪ મહિનાના બાળકનું હૃદયદાન.
    ૨૦૧૯: ગુજરાતનું પ્રથમ ફેફસાંનું દાન.
    ૨૦૨૦: ૨.૫ વર્ષના બાળકનું ભારતનું સૌથી નાની વયનું મલ્ટિપલ ઓર્ગન ડોનેશન.
    ૨૦૨૧: એક જ દિવસમાં એક જ હોસ્પિટલમાંથી ૧૩ અંગો અને ટિશ્યુનું દાન તથા ૧૪ વર્ષના બાળકના બંને હાથનું દાન.
    ૨૦૨૪: નવ વર્ષની બાળકીના હાથનું વિશ્વનું સૌથી નાની વયનું હાથદાન.
    અકસ્મતમાં હાથ ગુમાવનારા લોકોને નવી આશા આપવા માટે વર્ષ ૨૦૨૧થી હાથદાનની ચળવળને પણ તેમણે પ્રોત્સાહન આપ્યું.
    ૧૪૦૯ અંગો અને ટિશ્યુનું દાન, ૧૩૦૦થી વધુ લોકોને નવજીવન
    નિલેશભાઈ અને ડોનેટ લાઈફના અથાગ પ્રયાસોથી અત્યાર સુધીમાં કુલ ૧૪૦૯ અંગો અને ટિશ્યુનું દાન શક્ય બન્યું છે, જેના પરિણામે ૧૩૦૦થી વધુ લોકોને નવજીવન મળ્યું છે.
    કોરોના મહામારી દરમિયાન જ્યારે સમગ્ર દેશમાં અંગદાનની પ્રક્રિયા લગભગ ઠપ થઈ ગઈ હતી, ત્યારે પણ ડોનેટ લાઈફે ૨૦૩ અંગોનું દાન કરાવી ૧૮૨ લોકોના જીવન બચાવ્યાં હતાં.
    ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાને સાકાર કરતાં સુરતમાંથી દાન થયેલા હૃદય અને ફેફસાંના પ્રત્યારોપણ દ્વારા UAE, યુક્રેન, રશિયા, સુદાન અને યમનના નાગરિકોને પણ મુંબઈ અને ચેન્નાઈમાં નવજીવન મળ્યું છે.
  • ગુજરાતની ટ્રાન્સપ્લાન્ટ વ્યવસ્થામાં મોટું પરિવર્તન
    વર્ષ ૨૦૦૫માં ગુજરાતમાં મુખ્યત્વે કિડની ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ હતી, જ્યારે આજે કિડની ઉપરાંત લીવર, સ્વાદુપિંડ, હૃદય, ફેફસાં અને હાથનું ટ્રાન્સપ્લાન્ટ પણ શક્ય બન્યું છે.
    એક સમયે ગુજરાતમાં એક પણ ઓર્ગન રિટ્રાઇવલ હોસ્પિટલ નહોતી, જ્યારે આજે SOTTO/NOTTO સાથે ૧૦૦થી વધુ રિટ્રાઇવલ હોસ્પિટલો નોંધાયેલી છે. સુરતમાં ૨૦૧૭થી અને અમદાવાદમાં ૨૦૨૧થી સિવિલ હોસ્પિટલોમાં અંગદાનની શરૂઆત થઈ છે. વર્ષ ૨૦૦૬માં સુરતમાં એક પણ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલ નહોતી, જ્યારે આજે શહેરમાં વિવિધ અંગોના ટ્રાન્સપ્લાન્ટ થાય છે.
    વર્ષ ૨૦૨૫માં ગુજરાતનું પ્રથમ હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ અને કિરણ હોસ્પિટલમાં એક જ દિવસે સાત અંગોનું દાન તથા ટ્રાન્સપ્લાન્ટ સુરતમાં થયું, જે દેશ માટે પણ એક ઐતિહાસિક સિદ્ધિ બની.
  • સુરત બન્યું દેશનું ઓર્ગન ડોનર સિટી
    નિલેશ માંડલેવાલાની નિઃસ્વાર્થ સેવા, કરુણા અને દૃઢ સંકલ્પને કારણે તબીબો, યુવાનો, સામાજિક કાર્યકરો અને વિવિધ સંસ્થાઓ અંગદાનની ચળવળમાં જોડાઈ છે. તેમના પ્રયાસોથી અંગદાન અંગે લોકોની વિચારસરણીમાં પરિવર્તન આવ્યું છે અને હજારો પરિવારોમાં આશાનું નવું કિરણ પ્રગટ્યું છે.
    ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે વિશ્વભરમાં જાણીતા સુરતને આજે ‘ઓર્ગન ડોનર સિટી’ તરીકે નવી ઓળખ મળી રહી છે. નિલેશ માંડલેવાલાને મળેલું ‘હીરોઝ ઓફ ચેન્જ એવોર્ડ ૨૦૨૬’ માત્ર તેમનું વ્યક્તિગત સન્માન નથી, પરંતુ ગુજરાતની અંગદાન ચળવળ અને માનવતાની નિઃસ્વાર્થ સેવાનું પણ ગૌરવ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button