વરાછા ફૂડ પોઈઝનિંગની ઘટના અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની તાત્કાલિક કાર્યવાહી

વરાછા ફૂડ પોઈઝનિંગની ઘટના અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની તાત્કાલિક કાર્યવાહી
પાંચ વર્ષીય બાળકીના દુઃખદ અવસાન અંગે આરોગ્ય મંત્રીશ્રીએ અસરગ્રસ્ત પરિવાર સાથે ટેલિફોનિક વાત કરી સાંત્વના પાઠવી; રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી અંગે તકેદારી રાખવા આદેશ
સુરત જીલ્લા આરોગ્ય અધિકારી અને SMC અધિકારીને પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવા તેમજ જવાબદાર શીતલ રેસ્ટોરન્ટને તત્કાલ સીલ કરવાની સુચના આપતા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
રાજ્યની તમામ હોસ્પિટલોમાં સ્વચ્છતા, હાઈજિન અને દર્દીઓની સલામતી અંગે કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તેવી સ્પષ્ટ સુચના આપતા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
સુરત : સુરતના વરાછા વિસ્તારમાં રેસ્ટોરન્ટમાંથી મંગાવેલા પંજાબી શાકનું સેવન કર્યા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં 5 વર્ષીય માસૂમ બાળકી આર્યાનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યો હાલ સદવિચાર હોસ્પિટલ, પુણાગામ ખાતે સારવાર હેઠળ છે.
ઘટનાની જાણ થતાં રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ સમગ્ર મામલે તાત્કાલિક ગંભીરતા દાખવી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ તથા SMCના ડો. ઉમરીગર જોડે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઘટનાની વિગતવાર માહિતી મેળવીને જરૂરી તબીબી અને વહીવટી કાર્યવાહી સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી છે.
આરોગ્ય મંત્રીશ્રીએ જિલ્લાના આરોગ્ય અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારના સભ્યોને યોગ્ય અને શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહે તે માટે સતત દેખરેખ રાખવા પણ સૂચના આપી છે. પરિવારના ચાર સભ્યોની હાલની તબિયત અંગે સદવિચાર હોસ્પિટલના ડોકટરો સાથે માહિતી મેળવી જરૂરી સારવારની વ્યવસ્થા જાળવવા જણાવ્યું છે.
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ મૃતક બાળકીના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી દુઃખદ ઘટનામાં ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી. માસૂમ બાળકીના અવસાન અંગે આરોગ્ય મંત્રીશ્રીએ દુઃખ વ્યક્ત કરી પરિવારને આ કપરા સમયમાં હિંમત મળે તેવી પ્રાર્થના કરી હતી.
આરોગ્ય મંત્રીશ્રીએ રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા, હાઈજિન અને દર્દીઓની સલામતી અંગે કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે સ્પષ્ટ આદેશ આપ્યો છે.
વધુમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જનઆરોગ્યની સુરક્ષા અને નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.



