શાંતિ ધમ્મ યાત્રા સાથે ભિક્ષુ સંઘને ભોજનદાન

શાંતિ ધમ્મ યાત્રા સાથે ભિક્ષુ સંઘને ભોજનદાન
10 દિવસીય બૌદ્ધાચાર્ય શ્રામણેર શિબિર અંતર્ગત વિવિધ ધમ્મ કાર્યક્રમો યોજાયા
સુરત : ભારતીય બૌદ્ધ મહાસભા (ધ બુદ્ધિસ્ટ સોસાયટી ઑફ ઇન્ડિયા) દ્વારા આયોજિત 10 દિવસીય બૌદ્ધાચાર્ય શ્રામણેર શિબિરના ઉપક્રમે શુક્રવારે વિશ્વ શાંતિદૂત મહાબોધિ બુદ્ધ વિહારમાં ભિક્ષુ સંઘને ભોજનદાન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નિલગિરી સર્કલથી બુદ્ધ વિહાર સુધી શાંતિ ધમ્મ યાત્રા પણ કાઢવામાં આવી હતી.
વિશ્વ શાંતિદૂત મહાબોધિ બુદ્ધ વિહારના સ્થાપક અધ્યક્ષ તથા દર્દી સેવા સમિતિના અધ્યક્ષ સુભાષ ઝાડેએ જણાવ્યું હતું કે 10 દિવસીય બૌદ્ધાચાર્ય શ્રામણેર શિબિરનું આયોજન 14થી 22 સપ્ટેમ્બર દરમિયાન રિંગ રોડ સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન, માન દરવાજા ખાતે કરવામાં આવી રહ્યું છે. શિબિર દરમિયાન વિવિધ ધમ્મ પ્રવૃત્તિઓ તેમજ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
શુક્રવારે નિલગિરી સર્કલથી શરૂ થયેલી શાંતિ ધમ્મ યાત્રા વિશ્વ શાંતિદૂત મહાબોધિ બુદ્ધ વિહાર ખાતે પહોંચ્યા બાદ ભિક્ષુ સંઘ, શ્રામણેર સંઘ તથા ઉપાસક-ઉપાસિકા સંઘ માટે સામૂહિક ભોજનદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધમ્મ પ્રવચન, સ્વાગત સમારોહ અને ધમ્મદાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સંઘનાયક પૂજ્ય ભંતે ધમ્મપાલ (મુંબઈ), ભંતે ધમ્મ રક્ષિત મહાથેરો, કેન્દ્રીય તાલીમ વિભાગના ઉપપ્રમુખ એમ.ડી. સરોદે ગુરુજી, સંસ્કાર વિભાગના પ્રમુખ તથા ભારતીય બૌદ્ધ મહાસભા ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ શેષરાવ ખરાત ગુરુજી, બૌદ્ધાચાર્ય ગોવિંદ પિંમ્પળીસ્કર તેમજ ભારતીય બૌદ્ધ મહાસભા સુરત શહેરના પ્રમુખ છબીલદાસ જાધવ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ શાંતિદૂત મહાબોધિ બુદ્ધ વિહારના ઉપપ્રમુખ શ્રી કૃષ્ણ વાનખેડે, સ્વાગત સમિતિના સભ્યો, ભોજનદાનમાં સહયોગ આપનાર ધમ્મ ઉપાસક-ઉપાસિકા સંઘ તેમજ વિશ્વ શાંતિદૂત મહાબોધિ બુદ્ધ વિહાર સમિતિના હોદ્દેદારો અને કાર્યકરોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમની તૈયારીઓ માટે સેવાભાવી શ્રદ્ધાળુઓ છેલ્લા કેટલાય દિવસોથી તન-મન-ધનથી કાર્યરત રહ્યા હતા.



