સુરતમાં બાથરૂમમાં ન્હાવા ગયેલી ૩૭ વર્ષીય મહિલા અચાનક બેભાન થઈઃ ફાયર બ્રિગેડે દરવાજો તોડી કર્યું રેસ્ક્યૂ

સુરતમાં બાથરૂમમાં ન્હાવા ગયેલી ૩૭ વર્ષીય મહિલા અચાનક બેભાન થઈઃ ફાયર બ્રિગેડે દરવાજો તોડી કર્યું રેસ્ક્યૂ
રૂંઢ ફાયર સ્ટેશનની ટીમે સમયસર પહોંચીને મહિલાનું સફળ રેસ્ક્યૂ કરતાં પરિવારજનોએ રાહત અનુભવી હતી
સુરત : સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડુમસ રોડ પર આવેલી મંગલમ લિસ્ટ રહેણાંક સોસાયટીમાં રહેતી ૩૭ વર્ષીય મહિલા પોતાના ઘરના બાથરૂમમાં ન્હાવા ગઈ હતી. જોકે, લાંબો સમય વીતી જવા છતાં મહિલા બહાર ન આવતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. તપાસ કરતાં મહિલા બાથરૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી. આખરે ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી બાથરૂમનો દરવાજો તોડીને મહિલાનું રેસ્ક્યૂ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, સુરતના ડુમસ રોડ વિસ્તારમાં આવેલી મંગલમ લિસ્ટ સોસાયટીમાં એક પરિવાર રહે છે. પરિવારની ૩૭ વર્ષીય મહિલા રોજિંદા ક્રમ મુજબ ઘરના બાથરૂમમાં ન્હાવા માટે ગઈ હતી. જોકે, સામાન્ય રીતે લાગતા સમય કરતાં વધુ સમય વીતી જવા છતાં મહિલા બહાર આવી નહોતી.
આથી પરિવારજનોને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા ગઈ હતી. તેમણે બાથરૂમ પાસે જઈને મહિલાને અવાજ આપ્યો હતો, પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો. બાથરૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી અનેક પ્રયાસો છતાં ખૂલી શક્યો નહોતો.
પરિવારજનોની ચિંતા વધતાં તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો. જાણ મળતાં જ રૂંઢ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ બાથરૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દરવાજો અંદરથી બંધ હોવાથી ખૂલી શક્યો નહોતો.
આખરે ફાયર જવાનોએ સાવચેતીપૂર્વક દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
અંદર તપાસ કરતાં મહિલા બેભાન અવસ્થામાં મળી આવી હતી. ત્યારબાદ જવાનોએ મહિલાને સુરક્ષિત રીતે બાથરૂમમાંથી બહાર કાઢી હતી.
રૂંઢ ફાયર સ્ટેશનની ટીમે સમયસર પહોંચીને મહિલાનું સફળ રેસ્ક્યૂ કરતાં પરિવારજનોએ રાહત અનુભવી હતી. પોતાના સ્વજનને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરવા બદલ મહેતા પરિવારે ફાયર વિભાગના જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.



