દેશ

અમિતાભ બચ્ચનની તબિયત લથડતાં KBCનું શૂટિંગ અટક્યું, એક અઠવાડિયાથી નવા એપિસોડનું શૂટિંગ બંધ

મુંબઈ: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયતને લઈને ચાહકોમાં ચિંતા જોવા મળી રહી છે. લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)નું શૂટિંગ છેલ્લા એક અઠવાડિયાથી બંધ હોવાના અહેવાલ સામે આવ્યા છે. અમિતાભ બચ્ચરની તબિયતને ધ્યાનમાં રાખીને શોના નિર્માતાઓએ હાલ પૂરતું નવા એપિસોડનું શૂટિંગ અટકાવી દીધું હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે.
મીડિયા અહેવાલો અનુસાર, અમિતાભ બચ્ચન છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની પોસ્ટમાં ડૉક્ટરે થોડા સમય માટે આરામ કરવાની સલાહ આપી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત પોતાના બ્લોગમાં તેમણે રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
શૂટિંગ બંધ રહેતાં ચેનલ દ્વારા દિવાળી સ્પેશિયલ વીક અંતર્ગત અગાઉ શૂટ કરવામાં આવેલા એપિસોડનું પુનઃપ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ એપિસોડમાં બોલિવૂડના જાણીતા કલાકારોએ મહેમાન તરીકે હાજરી આપી હતી.
અહેવાલો અનુસાર, KBCનો છેલ્લો મોટો સેલિબ્રિટી એપિસોડ રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબે સાથે શૂટ કરવામાં આવ્યો હતો. ત્રણેય કલાકારો પોતાની આગામી ફિલ્મ ‘રામાયણ’ના પ્રમોશન માટે KBCના સેટ પર પહોંચ્યા હતા. આ એપિસોડ ફિલ્મની રિલીઝની આસપાસ પ્રસારિત કરવાનું આયોજન હતું. જોકે, અમિતાભ બચ્ચનની તબિયતને કારણે મેકર્સે પોતાના આયોજનમાં ફેરફાર કર્યો હતો અને દિવાળી સ્પેશિયલ વીકની શરૂઆત આ એપિસોડથી કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે જો અમિતાભ બચ્ચનની તબિયતમાં સુધારો થશે તો આવતા અઠવાડિયાથી KBCનું શૂટિંગ ફરી શરૂ થઈ શકે છે. જોકે, શૂટિંગ ક્યારે શરૂ થશે તેનો અંતિમ નિર્ણય તેમની તબિયતને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.
દરમિયાન અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં કામ પર ધીમે ધીમે પાછા ફરવા અને ચાહકો સાથેના જોડાણ અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ ધીમે ધીમે પોતાની દિનચર્યા અને કામ તરફ પાછા ફરી રહ્યા છે.
તેમણે વધુમાં લખ્યું હતું કે રોજિંદા જીવનથી થોડા સમય માટે દૂર રહ્યા બાદ ફરી એ જ દિનચર્યામાં પરત ફરવું એક અલગ અનુભવ હોય છે. ક્યારેક ચશ્માં કે મોબાઈલ ક્યાં મૂક્યાં છે અથવા થોડા કલાકો પહેલાં શું કામ કર્યું હતું તે પણ યાદ રહેતું નથી, પરંતુ સ્કૂલના આઠમા ધોરણના દિવસો આજે પણ યાદ છે.
હાલ ચાહકો અમિતાભ બચ્ચન ઝડપથી સ્વસ્થ થઈને ફરી એકવાર KBCના મંચ પર પરત ફરે તેવી આશા રાખી રહ્યા છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button