ગુજરાત

સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોનો મહારશ

બે દિવસમાં 60 હજાર મુસાફરો વતન રવાના, 2025ના તમામ રેકોર્ડ તૂટ્યા

બે દિવસમાં 60 હજાર મુસાફરો વતન રવાના, 2025ના તમામ રેકોર્ડ તૂટ્યા
સુરત: દિવાળી અને આગામી છઠ પૂજાના તહેવારોને લઈને સુરતમાંથી વતન જવા માટે નીકળેલા મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ જતી ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ ઉમટી પડી છે. ઉધના રેલવે સ્ટેશન પર સ્થિતિ એવી સર્જાઈ હતી કે હોલ્ડિંગ એરિયામાં પગ મૂકવાની પણ જગ્યા રહી નહોતી.
મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને તેમના વતન સુધી પહોંચાડવા માટે અંદાજે દર બે કલાકે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. શનિવારથી જ સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. રાત્રિના સમયે પણ મોટી સંખ્યામાં લોકો વતન જવા માટે સ્ટેશન પર પહોંચ્યા હતા.
રેલવેના જણાવ્યા અનુસાર, શુક્રવારથી જ મુસાફરોનો ધસારો શરૂ થઈ ગયો હતો. પગાર મળવા અને શાળાઓમાં વેકેશન શરૂ થવાના કારણે મોટી સંખ્યામાં શ્રમિકો અને પરિવારો એકસાથે વતન જવા નીકળ્યા હતા. શુક્રવારે નિયમિત ટ્રેનો ઉપરાંત 6થી 7 સ્પેશિયલ ટ્રેનો દ્વારા અંદાજે 30થી 35 હજાર મુસાફરોને રવાના કરવામાં આવ્યા હતા.
પશ્ચિમ રેલવેના DRM પંકજ સિંહે જણાવ્યું હતું કે, અગાઉ શનિવાર અને રવિવાર દરમિયાન અંદાજે 15 હજાર મુસાફરો નોંધાતા હતા. ત્યારબાદ આ આંકડો વધીને 25 હજાર અને ગત વર્ષે 35 હજાર સુધી પહોંચ્યો હતો. પરંતુ આ વર્ષે મુસાફરોની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. માત્ર શનિ-રવિના બે દિવસમાં જ અંદાજે 50થી 60 હજાર મુસાફરોને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
મુસાફરોની સંખ્યા ગત વર્ષની સરખામણીએ લગભગ બમણી થઈ હોવા છતાં રેલવે પ્રશાસન દ્વારા લાઇનસર વ્યવસ્થા અને સ્પેશિયલ ટ્રેનોના સંચાલનને કારણે કોઈ મોટી અવ્યવસ્થા કે નાસભાગની સ્થિતિ સર્જાઈ નહોતી.
દિવાળી અને છઠ પૂજાના તહેવારોને લઈને સુરતથી ઉત્તર ભારત તરફ જતા મુસાફરોનો આ ધસારો આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની શક્યતા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button