ધર્મ દર્શન
આસ્થા સાથે જવાબદારી: 500થી વધુ અર્ધવિસર્જિત દશામાતાજીની પ્રતિમાઓનુ ગૌસેવકોએ કર્યુ વિસર્જન

આસ્થા સાથે જવાબદારી: 500થી વધુ અર્ધવિસર્જિત દશામાતાજીની પ્રતિમાઓનુ ગૌસેવકોએ કર્યુ વિસર્જન

- સુરત: સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા & એનિમલ હોસ્ટેલના ગૌસેવકો દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી નહેરોમાંથી અર્ધવિસર્જિત તથા રઝળતી હાલતમાં મળી આવેલી 500થી વધુ દેવી દશામાતાજીની પ્રતિમાઓને બહાર કાઢી હજીરા દરિયા ખાતે શ્રદ્ધાપૂર્વક પુનઃવિસર્જન કરવામાં આવ્યું હતું.
- સુરતમાં દર વર્ષે દશામાતાજીના પર્વની ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. માતાજી પ્રત્યે લોકોની આસ્થા દિવસેને દિવસે વધુ મજબૂત બની રહી છે. પરંતુ આસ્થા સાથે પર્યાવરણ અને ધાર્મિક ભાવનાઓની જવાબદારી જાળવવી પણ એટલી જ જરૂરી છે.
- આ વર્ષે પણ શહેરની મધુરમ સર્કલ નહેર, ખરવાસા નહેર સહિત વિવિધ નહેરો અને અન્ય સ્થળોએ દશામાતાજીની અનેક પ્રતિમાઓ અર્ધવિસર્જિત તથા રઝળતી હાલતમાં જોવા મળી હતી. ખાસ કરીને જ્યાં ખૂબ ઓછું પાણી હોય, કાદવ અને ગંદકી હોય અથવા નહેરનું પાણી મૂર્તિના સંપૂર્ણ વિસર્જન માટે યોગ્ય ન હોય, ત્યાં **POP (Plaster of Paris)**ની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવતા તે સંપૂર્ણપણે વિસર્જિત થતી નથી અને લાંબા સમય સુધી રઝળતી રહે છે. આવી સ્થિતિથી ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચે છે અને પર્યાવરણ પર પણ પ્રતિકૂળ અસર થઈ શકે છે.
- પ્રશાસન દ્વારા પણ સમયાંતરે લોકોને મૂર્તિઓનું વિસર્જન યોગ્ય સ્થળે અને યોગ્ય પદ્ધતિથી કરવા માટે અપીલ તથા સૂચનાઓ આપવામાં આવે છે. તેમ છતાં, કેટલાક લોકો પોતાની સુવિધા માટે શહેરની વિવિધ નહેરો, કાદવવાળા સ્થળો અથવા ઓછા પાણીવાળા વિસ્તારોમાં મૂર્તિઓનું વિસર્જન કરી દેતા હોય છે.
- આ અંગે સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ શ્રી આશિષ સૂર્યવંશીને જાણ થતાં શ્રી માધવ ગૌશાળા & એનિમલ હોસ્ટેલના ગૌસેવકો દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિવિધ સ્થળોએથી અર્ધવિસર્જિત અને રઝળતી હાલતમાં રહેલી 500થી વધુ દશામાતાજીની પ્રતિમાઓને સન્માનપૂર્વક બહાર કાઢવામાં આવી અને ધાર્મિક વિધિ તથા શ્રદ્ધાભાવ જાળવી હજીરા દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવ્યું.
- આ પ્રસંગે અધ્યક્ષ શ્રી આશિષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, “દેવી-દેવતાઓની પ્રતિમાઓ આપણા માટે માત્ર માટી, POP કે અન્ય સામગ્રીની બનેલી મૂર્તિ નથી, પરંતુ આપણી આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે. તેથી વિસર્જન બાદ પણ તેમની સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવાની આપણી નૈતિક અને ધાર્મિક જવાબદારી છે. કોઈ પણ મૂર્તિને નહેરમાં, કાદવમાં કે ગંદા પાણીમાં રઝળતી મૂકવી એ આપણી જ આસ્થાનું અપમાન છે.”
- તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક રક્ષા સમિતિ છેલ્લા 9 વર્ષથી ગણેશજી અને દશામાતાજીની અર્ધવિસર્જિત તથા રઝળતી પ્રતિમાઓને એકત્રિત કરી શ્રદ્ધાપૂર્વક યોગ્ય સ્થળે પુનઃવિસર્જન કરવાની સેવા કામગીરી કરી રહી છે. સંસ્થા દ્વારા દર વર્ષે લોકજાગૃતિના કાર્યક્રમો યોજી લોકોને યોગ્ય રીતે મૂર્તિ વિસર્જન કરવા માટે અપીલ કરવામાં આવે છે તેમજ વહીવટી તંત્રને પણ આવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી સૂચનો આપવામાં આવે છે.
- ભક્તોને ભાવનાત્મક અપીલ
- “માતાજીની સ્થાપના જેટલી શ્રદ્ધાથી કરીએ છીએ, તેટલી જ શ્રદ્ધાથી તેમનું વિસર્જન પણ કરીએ. આપણી થોડીક સુવિધા માટે માતાજીની પ્રતિમાને નહેર, કાદવ કે ગંદા પાણીમાં રઝળતી ન મૂકીએ. યોગ્ય સ્થળે અને યોગ્ય પદ્ધતિથી વિસર્જન કરીએ. આસ્થા સાથે પર્યાવરણની પણ રક્ષા કરીએ. માતાજીનું સન્માન એ આપણી ભક્તિની સાચી ઓળખ છે.” સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા શહેરના તમામ ભક્તજનોને અપીલ કરવામાં આવે છે કે ધાર્મિક લાગણી અને પર્યાવરણ બંનેનું જતન થાય તે રીતે મૂર્તિ વિસર્જન કરવામાં આવે અને વિસર્જન બાદ કોઈ પ્રતિમા રઝળતી જોવા મળે તો તેને અવગણવાને બદલે સંબંધિત સેવાભાવી સંસ્થા અથવા વહીવટી તંત્રને જાણ કરવામાં આવે.



