ટેક્સ્ટાઈલ માર્કેટમાં આયોજનબદ્ધ ઉઠમણાં કરતી ટોળકીઓ સામે ગુજસીટોક લાગુ કરવા ચેમ્બરની માગણી

ટેક્સ્ટાઈલ માર્કેટમાં આયોજનબદ્ધ ઉઠમણાં કરતી ટોળકીઓ સામે ગુજસીટોક લાગુ કરવા ચેમ્બરની માગણી
મુખ્યમંત્રી અને કેન્દ્રીય ટેક્સ્ટાઇલ મંત્રી સમક્ષ ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલાની રજૂઆત
સુરત તેમજ ગુજરાતભરની ટેક્સ્ટાઈલ માર્કેટોમાં વિશ્વાસ અને શાખની સીસ્ટમનો દુરુપયોગ કરી ઈરાદાપૂર્વકની રણનીતિ અંતર્ગત કરોડો રૂપિયાનાં કાપડ ખરીદી રાતોરાત ઉઠમણું કરી દેતી ટોળકીઓ સામે ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરવા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલાની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય ટેક્સ્ટાઇલ મંત્રી ગિરિરાજ સિંહને રૂબરૂ મળીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી અને કેન્દ્રીય ટેક્સ્ટાઇલ મંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરતાં ચેમ્બરનાં પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ટેક્સ્ટાઈલ ઉદ્યોગ અને વેપાર સંપૂર્ણપણે પરસ્પર વિશ્વાસ અને ક્રેડિટ સિસ્ટમ પર ચાલે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા સંગઠિત કાવતરું રચીને પ્રથમ ૩થી ૪ વ્યવહારોમાં સમયસર નાણાં ચૂકવી વિશ્વાસ કેળવવામાં આવે છે અને ત્યારબાદ વિવિધ સપ્લાયર્સ પાસેથી કરોડો રૂપિયાનો માલ ઉધાર મેળવી પેઢી બંધ કરીને ફરાર થઈ જવાની પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે “થોડા બેસાડવા’ તરીકે ઓળખાતી આ પ્રવૃત્તિમાં વાસ્તવિક માલિકો પડદા પાછળ રહી બોગસ વ્યક્તિઓનાં નામે પેઢીઓ ખોલી કાપડ બજારને કરોડોનો ચૂનો લગાવી રહ્યા છે.
તેમણે ભારપૂર્વક ઉમેર્યું કે, જ્યારે વેપારી પોલીસ ફરિયાદ માટે જાય છે ત્યારે આવા ગુનેગારો મામલાને સિવિલ અથવા કોમર્શિયલ ડિસ્યુટ ગણાવી છટકી જાય છે. સામાન્ય રીતે પોલીસ અગાઉની આઈપીસીની કલમો હેઠળ ગુનો નોંધે છે, જે જામીનપાત્ર હોવાથી આરોપીઓ તુરંત છૂટીને અન્ય નામે નવી છેતરપિંડી આચરે છે. જયારે આ કૃત્ય જાણીબુઝીને વિશાળ જનસમૂહ સાથે આર્થિક છેતરપિંડી કરવાના આશયથી આચરાતું હોવાથી તે ગુજસીટોક એક્ટની કલમ મુજબ સંપૂર્ણપણે સંગઠિત આર્થિક ગુનાની વ્યાખ્યામાં આવે છે. દોર્યું ચેમ્બરે સરકારના ધ્યાને દોર્યું હતું કે કાપડ બજારમાં એક ઉઠમણું માત્ર માલ સપ્લાય કરનાર વેપારી પૂરતું સીમિત રહેતું નથી. ટેક્સ્ટાઈલ માર્કેટ એકબીજા સાથે જોડાયેલી સાંકળ છે. જ્યારે પેમેન્ટ અટકે છે ત્યારે તેની સીધી અસર વીવિંગ અને પ્રોસેસિંગ એકમો, હોલસેલર્સ, કમિશન એજન્ટ્સ,_ટ્રાન્સપોર્ટર્સ, પેકિંગવાળાઓ, શ્રમિકો તેમજ બજારમાં ચા અને પાણી વેચીને રોજીરોટી મેળવતા નાના ફેરિયાઓ સુધી પહોંચે છે. પરિણામે માર્કેટમાં નાણાંનું પરિભ્રમણ ખોરવાઈ જાય છે અને પ્રામાણિક વેપારીઓ આર્થિક પાયમાલી તરફ ધકેલાય છે.
રાજ્યનાં ગૃહ વિભાગ દ્વારા તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષકો અને પોલીસ મથકોને સામાન્ય વેપારી વિવાદ અને સંગઠિત આર્થિક છેતરપિંડી વચ્ચેનો ભેદ પારખી ત્વરિત કડક કાનૂની પગલાં ભરવા માટે લિખિત ગાઈડલાઈન જાહેર કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે.


