સુરત રેલવે સ્ટેશન પર ચોરીની શંકામાં મજૂરની હત્યા, સ્ટોલ સંચાલકની ધરપકડ

સુરત રેલવે સ્ટેશન પર ચોરીની શંકામાં મજૂરની હત્યા, સ્ટોલ સંચાલકની ધરપકડ
સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૪ પર બાકડા ઉપરથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવવાના બનાવમાં રેલવે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી સ્ટોલ સંચાલકની ધરપકડ કરી છે. શરૂઆતમાં અકસ્માત મોત જણાતી આ ઘટનામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર પર ગંભીર ઈજાઓ મળી આવતાં હત્યાનો ખુલાસો થયો હતો. મોબાઈલ ફોન અને રોકડ રકમની ચોરીની શંકામાં આરોપીએ મજૂર સાથે મારઝૂડ કરી હતી, જેમાં તેનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગત સવારે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૪ પર આવેલા બાકડા ઉપર એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં રેલવે પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકના શરીર પર ગંભીર ઈજાઓ હોવાનું સામે આવતાં પોલીસને હત્યાની આશંકા ગઈ હતી. નાસિકથી આવેલા મૃતકના સંબંધીઓની પૂછપરછ અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો હતો. ત્યારબાદ આ મામલે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક અગાઉ સુરત રેલવે સ્ટેશન અને વોશિંગ યાર્ડ વિસ્તારમાં છૂટક મજૂરી કામ કરતો હતો. જ્યારે સ્ટેશન પર સ્ટોલ ચલાવતા આરોપીનો મોબાઈલ ફોન અને કેટલાક રૂપિયા ગુમ થયા હતા. આ ચોરી મૃતકે જ કરી હોવાની શંકા આરોપીને હતી. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આરોપીએ મજૂર સાથે મારઝૂડ કરી હતી. આ મારઝૂડમાં ગંભીર ઈજાઓ પહોંચતાં મજૂરનું મોત નીપજ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
હત્યાનો ભેદ ઉકેલવા સુરત રેલવે પોલીસ અને એલસીબીની ટીમે સ્ટેશન પર લગાવવામાં આવેલા ઝ્રઝ્ર્ફ કેમેરાના ફૂટેજ તેમજ ટેકનિકલ પુરાવાઓની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્ટોલ સંચાલકની સંડોવણી સામે આવતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.



