નવી સિવિલ હોસ્પિટલમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

નવી સિવિલ હોસ્પિટલમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન
ડોકટરો, નર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓએ શ્રમદાન કરી સ્વચ્છતા અને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો
સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ૫૧ વૃક્ષોનું રોપણ કરાયું
સુરત: બુધવારઃ- રાજ્ય સરકાર દ્વારા તા.૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર સુધી ચાલનારા વિશેષ ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે વિશેષ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.
આ અભિયાન અંતર્ગત સવારથી જ નવી સિવિલ હોસ્પિટલના વિવિધ બિલ્ડીંગોના આંતરિક પરિસર તેમજ સમગ્ર હોસ્પિટલ કેમ્પસમાં વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટલના ડોકટરો, નર્સિંગ સ્ટાફ, સ્વચ્છતા કર્મચારીઓ સહિતના સ્ટાફગણએ સક્રિય શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સ્વચ્છતા સાથે પર્યાવરણ જતનને પણ પ્રાધાન્ય આપતાં સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી હોસ્પિટલ પરિસરમાં ૫૧ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. રોપવામાં આવેલા વૃક્ષોની નિયમિત જાળવણી અને સંભાળ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ ઉપરાંત હોસ્પિટલ કચેરીઓમાં ઉપયોગી ન રહેલા કન્ડમ સાધનોના યોગ્ય નિકાલની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. અભિયાનના અંતે હોસ્પિટલના અધિકારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ તથા કર્મચારીઓ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વચ્છતા જાળવવાના શપથ લીધા હતા.
નવી સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ અભિયાન દ્વારા ‘સ્વચ્છ હોસ્પિટલ–સ્વસ્થ સમાજ’ના સંદેશ સાથે સ્વચ્છતા પ્રત્યેની સામૂહિક જવાબદારી અને પર્યાવરણ જતન માટેનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સમગ્ર અભિયાન સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામાના માર્ગદર્શન હેઠળ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.લક્ષ્મણ, ડો.ભરત પટેલ, ડો.ભરત ચાવડા, જે તે વિભાગના વડાઓ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ, નર્સીંગ સ્ટાફ તથા સ્વચ્છતા કર્મીઓ જોડાયા હતા.



