૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે ચોકબજાર આયુર્વેદ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક આયુષ મેગા કેમ્પ યોજાયો

૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે ચોકબજાર આયુર્વેદ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક આયુષ મેગા કેમ્પ યોજાયો
૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ–૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લા પંચાયત આયુષ શાખા અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા ‘આયુષ મેગા કેમ્પ’ યોજાયો હતો. જેમાં આયુર્વેદ અને હોમિયોપેથીના તબીબોએ મોટી સંખ્યામાં દર્દીઓનું નિદાન કર્યું હતું.
આ વર્ષે સ્વસ્થ ભવિષ્ય માટે આર્યુર્વેદની થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે.
આ અવસરે આબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ.મેધાબેન પટેલે જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે ‘ઇન્ટિગ્રેટેડ એપ્રોચ’ વર્તમાન સમયની માગ છે. વર્તમાન સમયમાં સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રે મોટો સામાજિક અને તબીબી બદલાવ આવી રહ્યો છે. આધુનિક ડોક્ટરો પણ હવે સ્વીકારી રહ્યા છે કે, કેટલીક વ્યાધિઓમાં આયુર્વેદ ઉત્કૃષ્ટ પરિણામ આપે છે, જ્યારે ઇમરજન્સી અને ગંભીર સ્થિતિઓમાં એલોપેથી કારગત નીવડે છે. આ પરિસ્થિતિમાં આયુર્વેદ અને એલોપેથીનો સમાન રીતે ઉપયોગ થાય તેવો ‘ઇન્ટિગ્રેટેડ એપ્રોચ’ એ સમય અને સમાજની મુખ્ય માગ બની ગઈ છે.
આ દિશામાં મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા, ગ્રેજ્યુએશન સ્તરે આયુર્વેદ અને એલોપેથીને સમાન કક્ષાએ ભણાવવામાં આવે તેવા એકીકૃત કોર્સ શરૂ કરવા માટે સરકાર તરફથી લીલી ઝંડી મળી ચૂકી છે. કોવિડ મહામારી દરમિયાન વિદેશી દેશોએ ભારતની વસ્તી ગીચતાને કારણે અહીં ઉચ્ચ મૃત્યુદરની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ ભારતમાં ઘર-ઘરમાં આયુર્વેદનું જ્ઞાન અને પરંપરાગત ઔષધો હોવાના કારણે સંક્રમણ સામે ઉત્કૃષ્ટ રક્ષણ મળી શક્યું હતું.
આયુર્વેદ એ આપણી મૂળભૂત, શાશ્વત અને સનાતન ચિકિત્સા પદ્ધતિ છે. કોવિડ વખતે જે રીતે આયુર્વેદનો ડંકો વાગ્યો હતો, તેવી જ રીતે ભવિષ્યમાં પણ હેલ્ધી સોસાયટી માટે આયુર્વેદને વધુ આગળ લઈ જવા માટે સક્રિય થઈને કામ કરવાનો સૌને અનુરોધ કર્યો હતો.
આ અવસરે સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈદ્ય પંચકર્મ ડો.તુષાર શાહ તથા જિલ્લા આયુષ અધિકારી ડો.મિલિન દશોંદીએ આયુર્વેદનું મહત્વ સમજાવીને લોકો વધુમાં વધુ આર્યુવેદ તરફ વળે તેવા સક્રીય પ્રયાસો હાથ ધરવા સૌને અનુરોધ કર્યો હતો.
આ કેમ્પમાં નાગરિકોને નિઃશુલ્ક તબીબી સેવાઓ તેમજ માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં આયુર્વેદ અને હોમિયોપેથીની જનરલ ઓ.પી.ડી., ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ વગેરે રોગોની નિદાન, હરસ-મસા, ભગંદર અને ગુદામાર્ગ, કેન્સર, કિડનીના રોગો, ખેંચની બિમારીઓ, સ્ત્રીરોગો, ગર્ભિણી પરિચર્યા અને ગર્ભ સંસ્કાર, બાળરોગો અને સુવર્ણપ્રાશન સંસ્કાર વૃદ્ધાવસ્થાના રોગો, સાંધાના દુઃખાવા માટેની પરીક્ષણ જેવી સારવાર આપવામાં આવી હતી. સાથે દિનચર્યા પ્રદર્શન, ઋતુચર્યા પ્રદર્શન, રસોડા અને ઘર આંગણાની ઔષધીય વનસ્પતિનું પ્રદર્શન યોજાયું હતું.
આ અવસરે યોગબોર્ડના કર્મીઓએ યોગનિદર્શન કરીને સૌને યોગ કરવાનો અનુરોધ કર્યો હતો.



