સ્પોર્ટ્સ

નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં સુરતના તરવૈયાઓએ સિદ્ધિ મેળવી દેશભરમાં વધાર્યું ગૌરવ

નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં સુરતના તરવૈયાઓએ સિદ્ધિ મેળવી દેશભરમાં વધાર્યું ગૌરવ
૨૦ મેડલ્સ જીતી ‘એશિયન માસ્ટર ચેમ્પિયનશિપ-૨૦૨૬’ માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હરિયાણાના બહાદુરગઢ ખાતે આયોજિત ૨૨મી નેશનલ માસ્ટર સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં સુરત જિલ્લાના તરવૈયાઓએ અદ્ભુત કૌશલ્ય દાખવીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. ૨૫ થી લઈને ૯૦ વર્ષ સુધીના રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લઈ કુલ ૬ ગોલ્ડ, ૫ સિલ્વર અને ૯ બ્રોન્ઝ સહિત ૨૦ મેડલ્સ પોતાના નામે કર્યા છે. આ શાનદાર દેખાવના આધારે તમામ વિજેતા ખેલાડીઓ હવે આગામી ‘એશિયન માસ્ટર ચેમ્પિયનશિપ-૨૦૨૬’માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
હરિયાણાના બહાદુરગઢ ખાતે યોજાયેલી આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં સુરત જિલ્લાના ૨૫ થી ૯૦ વર્ષના વયજૂથના તરવૈયાઓએ પોતાના બુલંદ ઉત્સાહ અને સખત મહેનતના જોરે ભાગ લીધો હતો. સુરતના ખેલાડીઓએ પાણીમાં પોતાની ઝડપ અને તકનીકનો પરિચય આપતા કુલ ૨૦ મેડલ્સ જીતીને વ્યાપક સફળતા મેળવી હતી.
સ્પર્ધામાં સુરતની મહિલા તરવૈયાઓએ અભૂતપૂર્વ પ્રદર્શન કરતા બકુલાબેન પટેલે ૩ ગોલ્ડ મેડલ, કૃતિકા કહારે ૩ ગોલ્ડ મેડલ, ડોલ્ફી સારંગે ૧ સિલ્વર તથા ૧ બ્રોન્ઝ મેડલ અને સુચિત્રા સરકારે ૩ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. પુરુષ વિભાગમાં પણ ભરત નાવિકે ૩ સિલ્વર મેડલ, હરિવદન સેઇલરે ૧ સિલ્વર તથા ૧ બ્રોન્ઝ મેડલ, પરેશભાઈ સારંગે ૨ બ્રોન્ઝ મેડલ અને ઓમ સકશેનાએ ૨ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આ ઉપરાંત નવનીત સેઇલર, ધર્મેન્દ્ર સોપારીવાલા, વિશાલ ભગત, રાજન સારંગ, વિનોદ સારંગ, અશોકભાઈ વાઘેલા અને મોનિકા નાગપુરે સહિતના ખેલાડીઓએ પણ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
સુરતના રમતવીરોની આ સિદ્ધિ બદલ ગુજરાત સ્ટેટ એક્વેટિક એસોસિએશનના સેક્રેટરી વિરેન્દ્રભાઈ નાણાવટી તથા કમલેશભાઈ નાણાવટી તેમજ સુરત ડિસ્ટ્રિક્ટ એક્વેટિક એસો.ના હોદ્દેદારોએ વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. નેશનલ કક્ષાએ મેડલ જીતનાર આ તમામ સફળ તરવૈયાઓ હવે આંતરરાષ્ટ્રીય ફલક પર દેશનું પ્રતિનિધિત્વ કરતા આગામી એશિયન માસ્ટર ચેમ્પિયનશિપ-૨૦૨૬માં ભાગ લેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button