શિક્ષા

મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં ‘વિશ્વ ઓઝોન દિવસ’ની ભવ્ય ઉજવણી

મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં ‘વિશ્વ ઓઝોન દિવસ’ની ભવ્ય ઉજવણી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. 272, નાના વરાછામાં પર્યાવરણ જાગૃતિ અભિયાનના ભાગરૂપે ‘વિશ્વ ઓઝોન દિવસ’ની અત્યંત ઉત્સાહપૂર્વક અને અર્થસભર રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પૃથ્વીના રક્ષણકવચ સમાન ઓઝોન સ્તર વિશે વૈજ્ઞાનિક સમજ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષક ગિરીશભાઈ દ્વારા આધુનિક ડિજિટલ પ્રેઝન્ટેશનના માધ્યમથી ઓઝોન સ્તર અંગેની ઊંડાણપૂર્વકની માહિતી વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તેમણે પ્રેઝન્ટેશન દ્વારા જણાવ્યું હતું કે ઓઝોન વાયુનું સ્તર પૃથ્વીના વાતાવરણના સમતાપ મંડળ (સ્ટ્રેટોસ્ફિયર)માં આવેલું છે, જે સૂર્યમાંથી આવતા અત્યંત હાનિકારક પારજાંબલી (અલ્ટ્રાવાયોલેટ) કિરણોને શોષીને પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિનું રક્ષણ કરે છે. વૈજ્ઞાનિકો દ્વારા ઈ.સ. ૧૯૧૩માં ઓઝોન સ્તરની શોધ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઈ.સ. ૧૯૮૫માં એન્ટાર્કટિકા પર ઓઝોનના સ્તરમાં ગાબડું પડ્યું હોવાનું વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સાબિત થયું હતું, જેણે સમગ્ર વિશ્વ માટે ચિંતા ઊભી કરી હતી.
શિક્ષક ગિરીશભાઈએ ઓઝોનના સ્તરને કયા કયા વાયુઓથી નુકસાન પહોંચી રહ્યું છે તેની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે માનવસર્જિત પ્રવૃત્તિઓ, એર કંડિશનર, રેફ્રિજરેટર અને એરોસોલ સ્પ્રેમાંથી ઉત્સર્જિત થતા ક્લોરોફ્લોરોકાર્બન (CFC), હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન (HCFC), હેલોન્સ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ જેવા વાયુઓ ઓઝોન સ્તરને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છે. આ ઉપરાંત પ્રેઝન્ટેશનના માધ્યમથી તેમણે ઓઝોન સ્તરમાં થયેલા નુકસાનની ભરપાઈ કેવી રીતે સંભવ છે તેની પણ વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે સમજાવ્યું હતું કે સીએફસી મુક્ત ઉપકરણોનો ઉપયોગ, વૃક્ષારોપણ અને પર્યાવરણ અનુકૂળ વિકલ્પો અપનાવવાથી આ સ્તરમાં સુધારો શક્ય બની રહ્યો છે.
ઓઝોન સ્તરના ક્ષયથી માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર પડતી ગંભીર અસરો વિશે ખૂબ જ રોચક અને અસરકારક સમજ આપી હતી. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને શાળા પરિવારમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધારવામાં આ આયોજન ખૂબ જ મહત્ત્વપૂર્ણ પૂરવાર થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button