મોટા ફોફળીયા મુકામે સેવા સેતુ કાર્યક્રમનો પ્રચાર ના થવાથી ફિયાસ્કો

મોટા ફોફળીયા મુકામે સેવા સેતુ કાર્યક્રમનો પ્રચાર ના થવાથી ફિયાસ્કો
સેવાસેતુ નો કાર્યક્રમ હોવાથી સવારની શાળા કરવાથી બાળકોના શિક્ષણકાર્ય માં વિક્ષેપ
શિનોર તાલુકાના મોટા ફોફળિયા મુકામે પાંચ ગામો કંજેઠા ,અંબાલી ,ઝાંઝડ, કુકસ અને મોટા ફોફળિયા ના પ્રજાજનો માટે સેવા સેતુ કાર્યક્રમ મામલતદારે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુક્યો હતો.
સેવા સેતુ નો મુખ્ય આશય સરકારની પ્રજાલક્ષી સેવાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વ્યક્તિગત સેવાઓ પ્રજાજનોને એમના રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુને સાર્થક કરવાનો છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે આ કાર્યક્રમનો પ્રચાર અને પ્રસાર સરકાર તરફથી કરવામાં આવતો નથી, જેથી માત્ર કાગળ ઉપરનો કાર્યક્રમ બની રહે છે.
સેવા સેતુ કાર્યક્રમમાં સરકારની વિવિધ 53 યોજનાઓ નો સમાવેશ થયેલ છે અને જે માટે આ કાર્યક્રમમાં જે તે વિભાગના 19 અધિકારીઓએ પણ હાજર રહેવાનું હોય છે. પરંતુ તાલુકા સેવા સદન અને તાલુકા પંચાયત તથા અન્ય તમામ કચેરીઓમાં અપૂરતો સ્ટાફ હોવાના કારણે આવા કાર્યક્રમો સફળ થતાં નથી મોટા ફોફળિયા મુકામે જાતિના દાખલા કરવામાં તથા આધારકાર્ડમાં સુધારા બાબતે ગમે તે બહાના બતાવીને શિનોર તાલુકા મથકે આવવા જણાવવામાં આવેલ છે. એકમાત્ર આરોગ્ય વિભાગ આયુષ્યમાન કાર્ડ તથા આરોગ્યની અન્ય સેવાઓ આવા કેમ્પમાં આપી રહી છે,વિવિધ 53 યોજનાઓમાંથી આજે ઘણી બધી યોજનાના કર્મચારી કે અધિકારીઓ આવ્યા નહોતા. પ્રચાર થયો ના હોવાથી પાંચ ગામોના પુરા લાભાર્થીઓ પણ આવી શક્યા નહોતા.
આજના આ કાર્યક્રમમાં મામલતદાર મુકેશ જે. બારીયા ઇન્ચાર્જ સીડીપીઓ ચેતનાબેન પટેલ, ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જીગ્નેશ વસાવા ,સરપંચ ભગુભાઈ રબારી, તાલુકા પંચાયત સદસ્યા સિવાય અન્ય કોઈ પદા ધિકારીઓ કે અધિકારીઓ હાજર રહ્યા નહોતા.
સતત વરસાદના કારણે અગાઉ પણ શાળાઓ ઘણી વખત બંધ રાખવાના પરિપત્રો થયા હતા, અને આ સેવા સેતુ કાર્યક્રમના કારણે પણ લેખિત પરિપત્ર વગર સવારની શાળા થવાથી પ્રાથમિક શાળાના બાળકોના અભ્યાસ ઉપર માઠી અસર પહોંચે છે. એ જોનાર કોઈ નથી. આમ શિનોર સેવા સદનમાં પછી સાધલી પ્રાથમિક શાળામાં અને આજે મોટા ફોફળિયા પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે.



